Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

વડોદરામાં ઓનલાઇન છેતરપિંડી આચરનાર બે સાગરીતોને ઝડપવા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

વડોદરાઃ ઓનલાઇન છેતરપિંડી કરતી ગેંગના પકડાયેલા બે સાગરીતોની પૂછપરછ દરમિયાન ટૂંકાગાળામાં જુદાજુદા રાજ્યોના ૨૫૦ થી વધુ લોકો પાસે રૃપિયા ખંખેર્યા હોવાની વિગતો બહાર આવી છે. વેબસાઇટ પર સસ્તી પ્રોડક્ટની લોભામણી ઓફરો મૂકી ઓનલાઇન રૃપિયા ટ્રાન્સફર કરી લેતી ગેંગ દ્વારા બ્લેઝશોપ.લાઇવ નામની એપ માં અટલાદરા વિસ્તારની આઇ.ટી. એન્જિનિયર મહિલાનો મોબાઇલ નંબર મૂકી દેતાં જુદા જુદા રાજ્યોમાંથી મહિલા ઉપર પ્રોડક્ટને લગતી માહિતી માંગતા અને પ્રોડક્ટ મળી નથી તેવા કોલ્સ આવતા હતા. આખરે ગ્રાહકોના ત્રાસથી કંટાળેલી મહિલાના પતિએ સાયબર સેલને ફરિયાદ કરતાં સાયબરની ટીમે બેન્ક એકાઉન્ટની તપાસ કરી સેન્ટ્રલ બેંકના ખાતાધારક ગૌરવ કિરીટભાઈ બ્રહ્મભટ્ટ(હરિઓમ નગર, જીતોડિયા બસસ્ટેન્ડ પાસે,આણંદ) અને બેન્ક એકાઉન્ટના રજિસ્ટર્ડ મોબાઈલ નંબરનો ઉપયોગ કરતા સૂત્રધાર  નિકુંજ ભૂપતભાઈ દવે (માનસી નગર, ધરમપુરરોડ,વલસાડ)ેને ઝડપી પાડયા હતા.ગૌરવના બેન્ક એકાઉન્ટમાં રૃ.૫.૩૫ લાખ મળી આવ્યા છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં ઠગ ટોળકી દ્વારા છેલ્લા કેટલાક સમયથી જુદીજુદી વેબસાઇટો બનાવીને સસ્તી ઓફરોવાળી પ્રોડક્ટ મૂકવામાં આવતી હોવાની વિગતો ખૂલી છે.લોકોને પ્રોડક્ટ ના મળે અને ફરિયાદો ઉઠે એટલે નવી વેબ સાઇટ ચાલુ કરી દઇ ફરીથી છેતરપિંડી ચાલુ કરવામાં આવતી હતી.આ ગેંગના સૂત્રધાર મનાતા નિકુંજ સાથે બીજા કેટલા લોકો સંકળાયેલા છે તેમજ તેણે કેટલા બેન્ક એકાઉન્ટ ભાડે રાખ્યા છે તેની તપાસ કરવામાં આવી રહી છે.

(7:57 pm IST)