Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

કપડવંજ તાલુકામાં પ્રેમ સંબંધ બાબતે એકની હત્યા કરનાર બે આરોપીને અદાલતે આજીવન કેદની સુનવણી કરી

કપડવંજ: તાલુકાના આતરસુંબા પોલીસ સ્ટેશનની હદમાં આવેલી નર્મદા કેનાલમાં પ્રેમ સંબંધ બાબતે એકની હત્યા કરનાર બે આરોપીઓને કપડવંજ સેશન્સ કોર્ટે કસુરવાર ઠેરવી આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો. નડિયાદ તાલુકાના ચકલાસી નજીક સાડી પુરામાં રહેતા વિધવા ગુલીબેન કનુભાઇ વાઘેલાને ચકલાસીમાં રહેતા રામાભાઈ વાઘેલા સાથે આડા સંબંધ હતા જેની જાણ ગુલીબેનના ભાઈ બુધાભાઈ પુંજાભાઈ પરમારને થઈ હતી. ઘરની આબરૂ ના જાય તે માટે પોતાની બહેન ગુલીબેનને આવા સંબંધ ન રાખવા દબાણ કરતા હતા. સગો ભાઈ પોતાના પ્રેમસંબંધમાં અવરોધ હોવાથી ગુલીબેનએ તેના પ્રેમી સાથે મળીને સગા ભાઈનું કાસળ કાઢી નાખવા કાવતરું રચ્યું હતું. બુધાભાઈને આદરજીના મુવાડા ખાતે બોલાવી ભુવા પાસે જવાનું છે તેમ જણાવી કપડવંજ તાલુકાના કૈલાસનગર બ્રિજ નર્મદા કેનાલ ઉપર લઈ જઈ પૂર્વયોજિત કાવતરા મુજબ રામાભાઈ વાઘેલાએ બુધાભાઈને માથાના ભાગે લોખંડના દસ્તા મારી મોત નીપજાવી લાશને નર્મદા કેનાલના પાણીમાં નાખવામાં મદદગારી કરી પુરાવાનો નાશ કર્યોે હતો. તારીખ ૧૮-૭-૨૦૧૯ના રોજ બનેલા બનાવના બીજા દિવસે બુધાભાઈની લાશ કેનાલમાંથી મળી હતી. જેથી આતરસુંબા પોલીસે લાશનો કબજો લઈ પી.એમ. કરાવતા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથામાં ગંભીર ઈજાના કારણે મોત નિપજ્યું હોવાનું તબીબી પરીક્ષણમાં બહાર આવ્યું હતું. જેથી મૃતકના પુત્રની ફરિયાદના આધારે આતરસુંબા પોલીસે જે તે વખતે અજાણ્યા હત્યારાઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ બનાવની પોલીસ તપાસમાં તમામ બાબતો બહાર આવતા પોલીસે રામાભાઈ ઐતાભાઈ વાઘેલા, ગુલીબેન તે કનુભાઈ શંકરભાઈ વાઘેલાની વિધવા, મહેશભાઈ અદાભાઈ ઝાલા અને ગીરીશભાઈ રામાભાઇ વાઘેલાની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. તપાસ કર્યા બાદ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. જેથી આ કેસની સુનાવણી હાથ ધરાઈ હતી.  આ કેસ કપડવંજ કોર્ટ ના એડી.સેશન્સ જજ વી.પી.અગ્રવાલની કોર્ટમાં ચાલ્યો હતો. આ કેસમાં સ૨કા૨ી વકીલએ ૧૯ જેટલા સાક્ષીઓ અને ૨૦ જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યા હતા. આ કામે લક્ષ્મીબેન મહેશભાઈ ઝાલા જેઓ બનાવના નજરે જોનાર સાહેદ હતા. તેમની જુબાની તથા તેમણે આપેલ સી.આર.પી.સી.કલમ ૧૬૪ મુજબનું નિવેદન મહત્વનું બની ગયું હતું. આ તમામ બાબતો ધ્યાનમાં રાખી કોર્ટે આરોપી રામાભાઈ ઐતાભાઈ તથા આરોપી ગુલીબેન તે કનુભાઈ શંકરભાઈ વાઘેલા ને કસૂરવાર ઠેરવ્યા હતા અને ઈ.પી.કો.કલમ ૩૦૨ ના ગુનામાં આજીવન કેદ તથા રૂા.૧૦,૦૦૦ દંડ, દંડના ભરે તો વધુ ૩ માસની સજાનો હુકમ કરેલ છે. જ્યારે ઈ.પી.કો.કલમ ૨૦૧ના ગુનામાં બે વર્ષની સખત કેદ તથા રૂ.૧૦૦૦ દંડ, દંડના ભરે તો વધુ એક માસની સજાનો હુકમ તથા ઈ.પી.કો.કલમ ૧૨૦ બી સાથે વાંચતા ક્લમ ૩૪ મુજબના ગુનામાં ૩ વર્ષની સખત કેદ નો હુકમ કર્યો હતો. જ્યારે આરોપી મહેશ અદા ભાઈ તથા ગિરીશભાઈ રામાભાઈને શંકાનો લાભ આપી છોડી મૂક્યો હતો.

(7:55 pm IST)