Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

ગાંધીનગર જિલ્લા નજીક પુરપાટ ઝડપે જઈ રહેલ વાહનની હડફેટે યુવાનનું ગંભીર ઇજાથી મોત

ગાંધીનગર: ગાંધીનગર જિલ્લાના હાઈવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે સરખેજ હાઈવે ઉપર જમિયતપુરા બ્રીજ પાસ પુરઝડપે જઈ રહેલા વાહનની અડફેટે યુવાનનું મોત નીપજયું હતું. આ ઘટનાના પગલે અન્ય વાહનચાલકો થંભી ગયા હતા અને આ અંગે અડાલજ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે ફરાર વાહનચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૃ કરી છે.

ગાંધીનગર શહેર અને આસપાસના હાઈવે માર્ગો ઉપર અકસ્માતના બનાવોની સાથે હીટ એન્ડ રનની ઘટનાઓ સતત વધી રહી છે. અકસ્માત સર્જ્યા બાદ વાહનચાલકો અહીં ઉભા રહેવાની પણ તસ્દી લેતાં નથી કે ઘાયલ વ્યક્તિને સારવાર માટે પણ લઈ જતાં નથી જેના કારણે આ પ્રકારના અકસ્માતોમાં મૃત્યુઆંક વધ્યો છે. ગાંધીનગર સરખેજ હાઈવે ઉપર સિકસલેન પ્રોજેકટ પૂર્ણ થયા બાદ વાહનોની ગતિ ખુબ જ રહે છે જેના કારણે અકસ્માતના બનાવો પણ ખુબ વધ્યા છે ત્યારે ગઈકાલે મોડી રાત્રે જમિયતપુરા પાસે વધુ એક હીટ એન્ડ રનની ઘટના બની હતી. આ અંગે ખોરજ ગામે રહેતાં સબ્બીરખાન દીલાવરખાન પઠાણે ફરીયાદ નોંધાવી હતી કે ગઈકાલે રાત્રે બાર વાગ્યાના સુમારે તેઓ જમિયતપુરા ગામથી ખોરજ ગામે જવા માટે નીકળ્યા હતા તે દરમ્યાન જમિયતપુરા બ્રીજથી ર૦૦ મીટર આગળ લોકોનું ટોળું એકઠું થયું હતું અને ત્યાં જઈને જોતાં એક યુવાન ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં મૃત્યુ પામ્યો હતો. પુછપરછ કરતાં કોઈ અજાણ્યો વાહનચાલક આ યુવાનને અડફેટે લઈને ફરાર થઈ ગયો હોવાનું જણાયું હતું. જેથી આ મામલે અડાલજ પોલીસે વાહનચાલક સામે ગુનો નોંધીને આ યુવાનની ઓળખ માટે તજવીજ શરૃ કરી છે. ૩૦થી ૩પ વર્ષના અરસાના યુવાને વાદળી રંગનો શર્ટ અને આસમાની રંગનું પેન્ટ પહેર્યું છે તેના વાલીવારસોએ અડાલજ પોલીસમાં સંપર્ક કરવા માટે પણ જણાવાયું છે. 

 

(7:55 pm IST)