Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

ગુજરાત રાજ્‍યના અંગ્રેજીના પ્રાધ્‍યાપકોએ ઇતિહાસ રચ્‍યો : સૌપ્રથમ વખત પેટન્‍ટની નોંધણી કરાવી

‘આર્ટિફિસિઅલ ઇન્‍ટેલીજન્‍સ બેઇઝડ વોકેબ્‍યુલરી એકવાયરીંગ એપરેટસ' પર પેટન્‍ટ રજીસ્‍ટર્ડ કરાવીઃ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આ પેટન્‍ટ અતિ ઉપયોગી સાબિત થશે : કુલપતિ પ્રો.(ડો.) ચેતન ત્રિવેદી

રાજકોટ તા. ૨૯ : ગુજરાત રાજયના અંગ્રેજી ભાષાના વરિષ્ઠ અધ્‍યાપકો તેમજ શૈક્ષણિક ટેકનોલોજીમાં જેમનું આગવું પ્રદાન છે એવા મારવાડી યુનિવર્સીટીના ડો. દીપક મશરૂ, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી  અંગ્રેજી બોર્ડ ના ચેરમેન ડો ઈરોસ વાજા, બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટીના કુલગુરુ પ્રો. અમીબેન ઉપાધ્‍યાય, ભક્‍ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીના કુલપતિ પ્રો. (ડો.) ચેતનભાઈ ત્રિવેદી, ગુજરાત યુનિવર્સીટી UGC: HRDC ના ડીરેક્‍ટર પ્રો. જગદીશભાઈ જોષી, ક્રાંતિ ગુરૂ શ્‍યામજી કૃષ્‍ણ વર્મા યુનિવર્સીટી અંગ્રેજી વિભાગના વડા પ્રો. કાશ્‍મીરાબેન મહેતા તથા ગુજરાત યુનિવર્સીટી અંગ્રેજી વિભાગ ના વરિષ્ઠ અધ્‍યાપક ડો. દુષ્‍યંતભાઈ નિમાવતે  તાજેતરમાં નોંધાવેલ પેટન્‍ટ ‘આર્ટિફિસિઅલ ઈન્‍ટેલીજન્‍સ બેસ્‍ડ વોકેબ્‍યુલરી એક્‍વાયરીંગ એપરેટસ' (Artificial Intelligence Based Vocabulary Apparatus) ભારત સરકાર ની ઓફિશિયલ જર્નલ ઓફ ધ પેટન્‍ટમાં પ્રકાશિત થઇ છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આ પેટન્‍ટ અતિ ઉપયોગી સાબિત થશે તેવું ભક્‍તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો.(ડો.)ચેતનભાઈ ત્રિવેદીએ જણાવ્‍યું હતું.
સામાન્‍ય રીતે શિક્ષણ ક્ષેત્રે અને ખાસ કરીને ભાષા અને સાહિત્‍ય ક્ષેત્રે થતા સંશોધનોની નોંધ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નહીવત લેવાતી હોય છે. વિજ્ઞાન, એન્‍જીનીયરીંગ, તબીબ વિજ્ઞાન અને ફાર્મસીને લગતા ફોર્મ્‍યુલા માટે પેટન્‍ટ નોંધવામાં આવતી હોય છે, ત્‍યારે અંગ્રેજી વિષયના પ્રાધ્‍યાપકો દ્વારા પેટન્‍ટની નોંધણી થઇ હોય એવી કદાચ આ સૌપ્રથમ ગૌરવપ્રદ અને ઐતિહાસિક ઘટના શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવનારી હોવાનું તજજ્ઞો માની રહ્યા છે.
ભાષા ક્ષેત્રે થયેલા આ નુતન પ્રયોગથી અંગ્રેજી ભાષા શીખનાર કોઈ પણ વ્‍યક્‍તિ માટે શબ્‍દભંડોળ સુદ્રઢ કરવા આ પ્રક્રિયા કારગર નીવડશે તેવી આશા છે. નવી શિક્ષણ નીતિના સંદર્ભમાં જોઇએ તો આવી ટેકનોલોજીના ઉપયોગ વડે યુવાનો વિશ્વ સાથે તાલ મિલાવી શકે તથા અંગ્રેજી ભાષા શીખવાનો હાઉ દૂર થઈ શકે અને વૈજ્ઞાનિક પદ્ધતિથી શિક્ષણકાર્ય સરળ અને ચોકસાઈ ભર્યું બની શકે એ માટે આ પેટન્‍ટ ઉપયોગી સાબિત થશે જે નિર્વિવાદ બાબત છે.

 

(3:42 pm IST)