Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

૭ એડીશનલ ઈજનેર સહિત ૨૬ને શો કોઝ નોટિસો મળી

અમદાવાદ શહેરમાં તુટેલા રસ્તાઓ મામલેઃ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈતિહાસમાં ઈજનેર વિભાગ સામે સૌથી મોટી કાર્યવાહીથી ભારે સનસનાટી મચી ગઇ

અમદાવાદ, તા.૨૮, અમદાવાદ શહેરમાં આ વર્ષે જુન અને જુલાઈ માસમાં પડેલા ૪૨ ઈંચ જેટલા ભારે વરસાદના પરિણામે શહેરના છ ઝોનમાં તુટેલા કુલ મળીને ૨૦૨ કિલોમીટરના રસ્તાઓ મામલે હાઈકોર્ટ દ્વારા અપનાવવામા આવેલા કડક વલણ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈતિહાસમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા ઈજનેર વિભાગના અધિકારીઓ સામે સૌથી મોટી કાર્યવાહી કરતા તુટેલા રસ્તાઓના મામલે ૭ જેટલા એડીશનલ સીટી ઈજનેરો ઉપરાંત ૧૯ જેટલા ડેપ્યુટી સીટી ઈજનેરોને શો-કોઝ નોટિસ ફટકારવાની સાથે જ કુલ મળીને ૪૫ કેસમાં ૮૧ જેટલી નોટિસ ફટકારવામાં આવી છે તો કેટલાયને એક કરતા વધુ નોટિસ ફટકારવામાં આવતા મ્યુનિસિપલ ઈજનેર વિભાગમાં સન્નાટો મચી જવા પામ્યો છે.આ અંગેની વિગત એવી છે કે,અમદાવાદ શહેરમાં આ વર્ષે જુન અને જુલાઈ માસમાં ૪૨ ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકતા શહેરના છ ઝોનના મુખ્ય અને આંતરીક રસ્તાઓ મળીને કુલ ૨૦૨ કિલોમીટરના રસ્તાઓ તુટી જતા શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.આ મામલાને લઈને જયાં જુલાઈ માસમાં મળેલી મ્યુનિસિપલ બોર્ડ બેઠકમાં શાસક અને વિપક્ષના સભ્યોની જોરદાર રજુઆત બાદ આ મામલે વિજિલન્સ તપાસ સોંપવામાં આવી હતી.તો આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં રીટ પીટીશન કરવામાં આવતા હાઈકોર્ટ દ્વારા પણ આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈ જવાબદાર રોડ કોન્ટ્રાકટરોની સાથે ઈજનેર વિભાગના અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વિધાનસભાની ચૂંટણી અગાઉ ત્રણ રોડ કોન્ટ્રાકટરોને ત્રણ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામા આવ્યા હતા.આ સાથે જ વિજિલન્સ તપાસના વચગાળાના રિપોર્ટના આધારે કુલ સાત જેટલા કોન્ટ્રાકટરોને નોટિસ ફટકારવામા આવી હતી.દરમિયાન હાઈકોર્ટ સમક્ષ મુકવામા આવેલા તુટેલા રોડ મામલાના રિપોર્ટમાં કુલ ૯૦ જેટલા રોડના રિપોર્ટ રજુ કરવામાં આવ્યા હતા.જે પૈકી ૪૫ કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે.આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સાત જેટલા એડીશનલ સીટી ઈજનેરોને અને ૧૯ જેટલા ડેપ્યુટી સીટી ઈજનેરોને તુટેલા રસ્તાઓ મામલે શો-કોઝ નોટિસ ફટકારી છે જેમાં ચાર જેટલા ડેપ્યુટી ઈજનેરો નિવૃત્ત થઈ ચુક્યા છે.અત્રે નોંધનીય છે કે આ અગાઉ મ્યુનિસિપલ કમિશનર દ્વારા દિવાળીના પર્વ અગાઉ એક ડેપ્યુટી સીટી ઈજનેર સહિત કુલ સાત જેટલા ઈજનેરોને તુટેલા રસ્તાઓ અને બિટયુમીન ન વાપરવાના મામલે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત કોઈ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ઈજનેર વિભાગના ઈજનેરો સામે કરવામા આવેલી આ સૌથી મોટી કાર્યવાહીના પગલે મ્યુનિસિપલ ઈજનેર વિભાગમા સોંપો પડી જવા પામ્યો હતો.

ડેપ્યુટી ઈજનેરમાં કોને-કોને નોટિસ અપાઈ.....

         અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે ઈજનેર વિભાગના ડેપ્યુટી ઈજનેરોને શો-કોઝ નોટિસ આપીને તુટેલા રસ્તાઓ મામલે ખુલાસો માંગ્યો છે તેમાં સંજય સુથાર,પી.શાહ, હિમાંશુ મહેતા, રાજેશ રાઠવા, એન.સી.ખરાડી, અતુલ પટેલ, હરગોવન દેસાઈ, એમ.એસ.પરમાર, પરેશ શાહ, હેંમત શાહ, ગોપાલ પટેલ, રાજેશ ચીમનલાલ, સુરેશ પ્રજાપતિ, મહેશ બારોટ, સુનિલ મેકવાન, અશોક સકસેના, રાજેન્દ્ર પટેલ, પ્રકાશ વિંઝુડા અને શ્રીપતિ મારૃતીનો સમાવેશ થાય છે. મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર દ્વારા અમદાવાદ શહેરમાં તુટેલા રસ્તાઓ મામલે આ અગાઉ દિવાળી પહેલાં ડેપ્યુટી ઈજનેર મનોજ સોલંકી ઉપરાંત આસીસ્ટન્ટ સીટી ઈજનેર હિરેન બારોટ,અતુલ પટેલ,નવીન પટેલ,કૃણાલ ગજજર,નિકુંજ આડેસરા અને ભાવિન પટેલને રસ્તાઓ અને રોડ બનાવવામાં બિટયુમીનનો વપરાશ ન થવાના કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

શો-કોઝ મેળવનારા ઇજનેર

તુટેલા રોડ પાછળ ત્રણ કોન્ટ્રાકટરોની ભૂમિકાઃ

મ્યુનિસિપલ કમિશનર દ્વારા આજે ઈજનેર વિભાગના સાત એડીશનલ ઈજનેરો સહિત ૧૯ જેટલા ડેપ્યુટી ઈજનેરોને તુટેલા રોડ પૈકી ૪૫ રોડ માટે  ૮૧ શો-કોઝ નોટિસ ફટકારીને ખુલાસો માંગ્યો છે.જે પૈકી ચાર ઈજનેરો નિવૃત્ત થઈ ગયા છે.જેમને શો-કોઝ આપવામાં આવી છે તેમના નામ આ મુજબ છે.

નામ

શો-કોઝ

રોડ

હિતેષ કોન્ટ્રાકટર

 ૦૩

૦૩

પી.એ.પટેલ

૦૪

૦૪

હરપાલ ઝાલા

૧૧

૧૬

રાખી ત્રિવેદી

૦૬

૦૬

એન.કે.મોદી

૦૮

૦૮

એચ.ટી.મહેતા

૦૬

૦૬

અમીત પટેલ

૦૨

૦૨

અમદાવાદના તુટેલા રોડ પાછળ ત્રણ કોન્ટ્રાકટરોની ભૂમિકા

કોન્ટ્રાકટર

વર્ષ

કુલ કોન્ટ્રાકટ

રકમ (કરોડમાં)

આકાશ ઈન્ફ્રા

૨૦૧૬

૧૨

૮૬.૩૪

આકાશ ઈન્ફ્રા

૨૦૧૭

૦૫

૫૨.૧૦

જી.પી.ચૌધરી

૨૦૧૬

૦૬

૩૭.૩૫

જી.પી.ચૌધરી

૨૦૧૭

૦૩

૩૩.૮૭

જે.આર.અગ્રવાલ

૨૦૧૬

૦૩

૨૯.૭૦

(10:12 pm IST)