Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

શાળા સંચાલકોનો કેસ નહી લડવા માટે અનુરોધ કરાશે

મનીષ દોશી વાલીઓના હિતમાં પત્ર પાઠવશે : કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવીને પત્ર લખાશે શાળા સંચાલકોના કેસમાં હાજર ન રહેવા વાલીની અપીલ

અમદાવાદ,તા. ૧૮ : ગુજરાત સ્વનિર્ભર શાળા ફી નિર્ધારણ કાયદા-૨૦૧૭ને ગુજરાત હાઇકોર્ટે બહાલ રાખ્યા બાદ રાજયના શાળા સંચાલકો તરફથી સુપ્રીમકોર્ટમાં દાખલ કરાયેલી પિટિશનમાં સંચાલકો તરફથી કોંગ્રેસના દિગ્ગજ ધારાશાસ્ત્રી અને સુપ્રીમકોર્ટના વરિષ્ઠ વકીલો કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવી અપીઅર થઇ રહ્યા હોવાની વાતને લઇ ગુજરાતના વાલીસમાજમાં ભારે નારાજગીની લાગણી ફેલાતાં ગુજરાત કોંગ્રેસ તરફથી સુપ્રીમકોર્ટના આ બંને દિગ્ગજ વકીલો અને પક્ષના બંને સિનિયર નેતાઓને ગુજરાતના વાલીઓ વિરૂધ્ધથ શાળા સંચાલકો વતીથી હાજર નહી થવા અનુરોધ કરવામાં આવશે. ખુદ જાણીતા શિક્ષણવિદ્ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશી દ્વારા આ બંને મહાનુભાવોને સત્તાવાર રીતે પત્ર પાઠવી ગુજરાતભરના વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં સંચાલકો તરફથી આ કેસમાં હાજર નહી થવા માટે વિનંતી કરવામાં આવનાર છે. ગુજરાત સરકારના ફી નિયમન કાયદાની ઐસી તૈસી કરીને મનસ્વી રીતે ફી ઉઘરાવવા બ્લેકમેઇલીંગ કરી રહેલા અને દાદાગીરી પર ઉતરી આવેલા શાળા સંચાલકો સામે ગુજરાતભરના વાલી સમાજમાં ઉગ્ર આક્રોશની લાગણી ફેલાઇ છે, ત્યારે આ કાયદાના અસરકારક પાલન અને રાજયમાં શિક્ષણના વ્યાપારીકરણને લઇ કોંગ્રેસ દ્વારા વાલીઓની તરફેણ કરવામાં આવી હતી અને વાલીઓના સમર્થનમાં કોંગ્રેસ ઉતરી આવી હતી. બીજીબાજુ, ગુજરાત હાઇકોર્ટમાં ફી નિયમન કાયદાને પડકારતી રિટ અરજીના કેસમાં હારી ગયેલા શાળા સંચાલકોએ સુપ્રીમકોર્ટમાં પિટિશન કરી તેમાં કોંગ્રેસના જ દિગ્ગજ નેતા અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી એવા કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવી હાજર થઇ રહ્યા હોવાની વાત સામે આવતાં ગુજરાતના વાલીઓમાં ભારે નારાજગીની લાગણી પ્રવર્તી હતી. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમકોર્ટમાં વાલીઓની સામે શાળા સંચાલકો તરફથી અપીઅર થતાં સુપ્રીમકોર્ટના સિનિયર કાઉન્સેલ હરીશ સાલ્વેને વાલીમંડળ દ્વારા ગુજરાતના લાખો વિદ્યાર્થીઓના હિતમાં આ કેસ નહી લડવા અનુરોધ કરવામાં આવ્યો હતો, જેને માન આપી સાલ્વે આ કેસમાંથી ખસી ગયા હતા. જેથી હવે રાજયના વાલીમંડળો તરફથી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને સુપ્રીમકોર્ટના સિનિયર એડવોકેટ્સ કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવીને  પણ ઇ-મેલ કરી આ કેસ નહી લડવા વિનંતી કરવામાં આવનાર છે. બીજીબાજુ, રાજયના જાણીતા શિક્ષણવિદ્ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશી દ્વારા પણ પક્ષના દિગ્ગજ રાષ્ટ્રીય નેતાઓ કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવીને રાજયના લાખો વિદ્યાર્થીઓના હિતમાં શાળા સંચાલકો તરફથી આ કેસમાં હાજર નહી રહેવા અનુરોધ કરવામાં આવનાર છે. આ માટે ડો.દોશી ખાસ પત્ર પાઠવી આ બંને નેતાઓને વિનંતી કરશે કે, ગુજરાતમાં ભાજપ સરકારના શાસનમાં ફુલ્યાફાલેલા શિક્ષણના વ્યાપારીકરણના વિરોધમાં કોંગ્રેસ આંદોલન ચલાવી રહ્યું છે અને ગુજરાતના વિદ્યાર્થી અને વાલીઓની સતત પડખે ઉભુ રહ્યું છે ત્યારે આપ બંને મહાનુભાવો ભલે વ્યવાસિયક રીતે કેસ લડવા સ્વતંત્ર છો પરંતુ ગુજરાતના લાખો વિદ્યાર્થીઓના હિત અને વાલીઓની નૈતિકતાભરી લડાઇમાં આપ પણ કોંગ્રેસની સાથે મદદમાં ઉભા રહો અને કેસમાં અપીઅર ના થાઓ એ ન્યાયોચિત લેખાશે આ મતલબની વિનંતી પત્રમાં કરાશે.

(8:14 pm IST)