Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

એકસાથે દસ હજાર બાળકો ડાન્સ કરી નવો રેકોર્ડ સર્જશે

૨૦મી જાન્યુઆરીએ અમદાવાદમાં ઇવેન્ટ : પરફોર્મન્સ વખતે ડાન્સના લીજેન્ડ ગણાતા ગોવિંદા ખાસ હાજર રહેશે : ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડઝમાં નામ નોંધાશે

અમદાવાદ,તા. ૧૮ : સમગ્ર દેશમાં સૌપ્રથમવાર એકસાથે દસ હજાર બાળકો બોલીવુડ ડાન્સ કરવા જઇ રહ્યા છે. તા.૨૦મીએ અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં જે ડી નગરવાલા પોલીસ સ્ટેડિયમ ખાતે એકસાથે દસ હજાર બાળકો બોલીવુડ ડાન્સ કરી અનોખો રેકોર્ડ બનાવવાના છે. આ ઐતિહાસિક ઘટના વખતે ડાન્સીંગ સુપર સ્ટાર અને લીજેન્ડ ગણાતા ગોવિંદા ખાસ હાજર રહેશે. આ ઐતિહાસિક ઇવેન્ટનો રેકોર્ડ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડઝમાં પણ નોંધાશે એમ અત્રે જાણીતા કોરિયોગ્રાફર પ્રીતેશ નાયક અને નિર્માણ સ્કૂલના ટ્રસ્ટી આશિષ પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ માટે ખૂબ જ ગૌરવપૂર્ણ એવી આ ઇવેન્ટ યોજવા પાછળનો ઉમદા આશય દિવ્યાંગ બાળકો, ગરીબ બાળકો અને કેન્સરથી પીડાતા  બાળકો માટે મદદરૂપ થવાનો છે. લેવલ અપ એન્ટરપ્રાઇઝ અને સાત્વિક એન્ટરટેઇનમેન્ટ દ્વારા આયોજિત આ ઐતિહાસિક ઇવેન્ટમાં ખુદ જાણીતા બોલીવુડ અને ડાન્સીંગ લીજેન્ડ ગોવિંદા બાળકોનું પ્રોત્સાહન વધારવા ખાસ હાજર રહેવાના છે. આ રેકોર્ડ સર્જવા માટે દસ શાળાના વિદ્યાર્થીઓ અને વિવિધ ડાન્સીંગ કલાસના સ્ટુડન્ટસ તેમ જ ડાન્સરસિયા બાળકોને જુદા જુદા ૪૦ જેટલા કોરીયોગ્રાફર દ્વારા પધ્ધતિસરની ડાન્સની તાલીમ આપવામાં આવી રહી છે. આ પ્રકારનો રેકોર્ડ ભારતમાં કયારેય નોંધાયો નથી, તેથી અમદાવાદ તા.૨૦મી જાન્યુઆરીએ એક ઐતિહાસિક અને વિક્રમી ઇવેન્ટનું સાક્ષી બનવા જઇ રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, તા.૨૦મી જાન્યુઆરીએ શાહીબાગ પોલીસ સ્ટેડિયમ ખાતે સવારે ૯-૦૦ વાગ્યે આ ઇવેન્ટનો રેકોર્ડ યોજાશે ત્યારે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડઝના અધિકારીઓ પણ ખાસ હાજર રહેશે. આ પ્રસંગે બોલીવુડ ડાન્સ પરફોર્મ કરનારા બાળકોના માતા-પિતા અને તેમની શાળાના પ્રિન્સીપાલ, શિક્ષકો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. એકસાથે દસ હજાર બાળકો ગોવિંદાની હાજરીમાં ત્રણ મિનિટનો બોલીવુડ ડાન્સ રજૂ કરી એક અનોખો રેકોર્ડ સર્જશે. આજના પ્રસંગે લેવલ અપ એન્ટરપ્રાઇઝ અને સાત્વિક એન્ટરટેઇનમેન્ટના સમીર પટેલ અને વીણા પટેલ પણ હાજર રહ્યા હતા.

(7:43 pm IST)