Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

ગાંધીનગર નજીક ડભોડામાં ગેરકાયદે ચાલતું માટી ખનન અટકાવવા ગ્રામજનોની જિલ્લાપંચાયતમાં રજુઆત

ગાંધીનગર:નજીક આવેલા ડભોડા ગામમાં છેલ્લા ઘણા વખતથી ગોચરની જમીનમાં ખોદકામ ચાલી રહ્યું છે. નેશનલ હાઇવેના કામ માટે માટી અહીંથી લેવામાં આવતી હતી. જો કે, મંજુરી આપી હતી તેના કરતા પણ વધુ પ્રમાણમાં અહીંથી માટી ખોદી કાઢવામાં આવી છે ત્યારે આ અંગે વારંવારની રજુઆત કરવા છતા પણ આ માટી ખનનની ગેરકાયદે પ્રવૃતિ ચાલી રહી છે તેવી સ્થિતિમાં ગ્રામજનોએ અગાઉ આ માટી માફિયાઓને ગામમાંથી ભગાડયા હતા તેમ છતા આ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી છે જેનો વિરોધ કરવા માટે ગ્રામજનોએ જિલ્લા પંચાયતમાં રજુઆત કરી હતી.

આ અંગે ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટર સહિત જિલ્લા વિકાસ અધિકારી, ખાણ અને ખનીજ વિભાગમાં પણ રજુઆત કરી છે. તેમની રજુઆત પ્રમાણે, ડભોડા ગામની અંદર ગોચર તળાવના સર્વે નં.૩૦૭માં માટીનું કામ ચાલી રહ્યું છે. જેમાં મોટા પાયે ગેરરીત કરવામાં આવી રહી છે. આ ગેરરીત અટકાવવા માટે થોડા દિવસો અગાઉ  જ્યારે રોષે ભરાયેલા ૪૦૦થી પણ વધુ ગ્રામજનો માટી ખનનનું કામ ચાલતું હતું ત્યાં ગયા હતા ત્યારે ત્યાં ખનન કરતા માટીના માફિયાઓ ત્યાંથી ભાગી છુટયા હતા.

જમીનની સપાટીથી ૩૦ ફુટ સુધી ઉંડું ખોદીને મંજુર કરવામાં આવેલી માટી કરતા પણ વધુ માટી ત્યાંથી ખોદીને લઇ જવાનું મસમોટું કૌભાંડ કરવામાં આવ્યું છે ત્યારે કોન્ટ્રાક્ટર પાસેથી વધુ રોયલ્ટી વસુલવી જોઇએ અને તે નાણા ગામના વિકાસ માટે ફાળવવા જોઇએ તેવી ગ્રામજનોએ માંગણી કરી છે તો બીજીબાજુ સ્થાનિક તંત્ર આ માટી મફિયા સાથે સંકળાયેલા હોવાનું જણાવીને ગ્રામજનોએ  જિલ્લા પંચાયતના અધિકારીઓને આજે રજુઆત કરી છે. એટલુ જ નહીં, આગામી દિવસોમાં માટી ખોદવા માટે આ શખ્સો આવશે તો ગ્રામજનો ચલાવી દેશે નહીં અને તેમને ગામમાંથી ખદેડી દેશે તેવી ચિમકી પણ ગ્રામજનોએ આપી છે. તો આ માટી ખનનની બાબતને લઈને ગામમાં જ બે ભાગ પડી ગયા હોય તેમ લાગી રહયું છે.

(5:19 pm IST)