Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

રાહુલ ગાંધી અને પ્રદેશ નેતાઓ વચ્ચે મીટીંગ

સ્થાનિક ચૂંટણી, ગેરશિસ્ત, ચિંતન શિબિર અને સંગઠનના ફેરફાર અંગે ગહન ચર્ચા

રાજકોટ, તા. ૧૮ :. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ, ગત વિધાનસભાની ચૂંટણીમાં થયેલી ગેરશિસ્ત, ચૂંટણી બાદની ચિંતન શિબિર તથા માસાંતે થનારા સંગઠનમાં ધરખમ ફેરફારો સહિતની બાબતો અંગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે ચર્ચા વિચારણા માટે આજે દિલ્હી ગયેલા પ્રભારી ગેહલોત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી તથા વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ રાહુલજી સાથે ચર્ચાઓ હાથ ધરી છે.

કોંગી સૂત્રોના જણાવ્યા મુજબ આ લખાય છે ત્યારે દિલ્હીમાં પ્રદેશ નેતા ગુજરાતના વિવિધ પ્રશ્નોએ રાજ્ય પ્રભારી તથા પ્રદેશ નેતાઓ અને રાહુલ ગાંધી વચ્ચે બેઠક શરૂ થઈ છે.

આજે મળેલી બેઠકમાં તૂર્તમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીઓ અંગે, ગેરશિસ્ત અને ચૂંટણી પરિણામો અંગે શહેર-જીલ્લા પ્રમુખો, પ્રદેશ હોદેદારો તથા પદાધિકારીઓ પાસેથી મંગાવેલ રીપોર્ટ અંગે તથા તૂર્તમાં પ્રદેશ માળખા સહિતના સંગઠનોમાં થનારા ફેરફારો અંગે ચર્ચા આદરાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આજે રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી, રાજ્ય પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી તથા વિધાનસભા વિપક્ષી નેતા પરેશ ધાનાણી વચ્ચે લંબાણપૂર્વક વિવિધ મુદ્દે મહત્વની ચર્ચા થશે.

ગત વિધાનસભા ચૂંટણીઓમાં પક્ષને નુકશાન પહોંચાડી ગેરશિસ્ત આચરી પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારાઓ અંગે જીલ્લાવાર તૈયાર કરાયેલ રીપોર્ટ અંગે પણ રાષ્ટ્રીય અધ્યક્ષને માહિતગાર કરાશે.

આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અંગે નિરીક્ષકોની નિમણૂકો, પ્રદેશ માળખાના પ્રદેશ પ્રમુખ સિવાયના અન્ય હોદાઓમાં થનારા ફેરફારો અંગે પણ ચર્ચા થશે.

દરમ્યાન જાણવા મળતી વિગતો મુજબ મહેસાણા ખાતે યોજાયેલ ચિંતન શિબિર તથા ચારેય ઝોનમાં ચૂંટણી અંગેના અહેવાલ અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.

(11:58 am IST)