Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

ટાર્ગેટ પૂરો કરવા ૨૦% ટેકસની રિકવરીની કામગીરીથી ફફડાટ

અમદાવાદ તા. ૧૮ :આવકવેરા વિભાગના અધિકારીઓએ નાણાકીય વર્ષનો ટારગેટ પૂરો કરવા માટે બાકી રહેતા ટેકસના લેણા પેટે ૨૦ ટકા ટેકસ રિકવરી કરવા માટે પઠાણી ઉઘરાણી શરૂ કરી દીધી છે. અમદાવાદ સહિત રાજયભરમાં સરવે કામગીરી શરૂ કરી દેવાતા કરદાતાઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. જે કરદાતાઓ અપીલમાં ગયા છે અને જેમની અપીલની સુનવણી પેન્ડીગ છે તેવા કરદાતાઓની ઓફિસમાં આખી રાત તપાસ કરીને કરદાતાઓને હેરાન પરેશાન કરી દીધા છે જેનો પાછળનો આવકવેરાનો હેતુ ટારગેટ પૂરો કરવાનો છે. રાજયના પ્રિન્સિપલ ચીફ કમિશનરે તમામ કમિશનરોને બાકી લેણાની વસુલાત તા.૩૧ માર્ચ સુધીમાં કરવા આદેશ આપ્યો છે.

માર્ચ મહિના સુધી આઇટીના અધિકારીઓ ટેકસની રિકવરીનુ જ કામ કરશે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં જે ટેકસ વસુલાતના ટારગેટ અપાયા છે તેની સરખામણીમાં ૫૦ ટકા ટેકસ જમા થયો છે. હવે ગુજરાત આવકવેરા વિભાગે ડિસેમ્બર મહિનામાં આકારણી કામગીરી પૂર્ણ કરીને જે ટેકસની ડિમાન્ડ કરતી નોટિસો કરદાતાઓને ફટકારી છે તે ટેકસની રકમ રૂ.૪૦,૬૫૦ કરોડની છે. જે પૈકી ૫૦ ટકા રિકવરી થઇ છે. જે ડિમાન્ડ નોટિસો અપાઇ છે તે પૈકી ૨૦ ટકા ટેકસની રકમ કરદાતાઓ પાસેથી ૩૧ માર્ચ પહેલા વસૂલ કરવા માટે ચીફ કમિશનરોને આદેશ આપી દેવાયા છે.

નાણાકીય વર્ષ ૧૭-૧૮માં ગુજરાત આઇટીનો ટારગેટ રૂ.૪૬,૮૩૮ કરોડ છે જે પૈકી રૂ.૩૧,૬૧૮ કરોડનો ટેકસ જમા થયો છે. ૩૧ માર્ચ સુધીમાં ટેકસની ડિમાન્ડ પૈકી ૨૦ ટકા ટેકસ રિકવરી કરવા માટે વિભાગના અધિકારીઓેએ રાજયભરમાં પઠાણી ઉદ્યરાણી સરૂ કરી દીધી છે. કરદાતાઓ અને આઇટી અધિકારીઓ વચ્ચે તકરાર પણ થઇરહી હોવાના કિસ્સા બની રહ્યા છે .કેમકે જે કરદાતાએ ટેકસની આકારણી સામે અપીલ ફાઇલ કરી છે તેમને અપીલની સુનવણી સુધી રાહ જોવા માટેની પણ તક આપવામા આવતી નથી. અને તા.૧૫ માર્ચ આવી જાય તો એડવાન્સ ટેકસ પણ ભરી દેવા માટે જણાવી દેવામા આવી રહ્યુ છે.આમ ઠેર ઠેર સરવે કામગીરીથી કરદાતાઓમાં રિતસર ફફડાટ ફેલાઇ ગયો છે.

(10:06 am IST)