Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

બોરસદમાં સામાન્ય બોલાચાલીમાં મિત્રના હાથે મિત્રની હત્યાઃ અરેરાટી

બોરસદના જાખલી તળાવ પાસે ગઇરાત્રીના બે મિત્રો સામાન્ય વાતચીત કરતા ઝઘડી પડયા હતા. જેમાં ઉશ્કેરાયેલા એક મિત્રએ બીજા મિત્રને મુક્કો મારતા કરૂણ મોત નિપજયું હતું. બનાવની પ્રાપ્ત માહીતી મુજબ મુળ દાહોદ જીલ્લાના સારમારીયા ગામના અને હાલમાં બોરસદમાં મારૂતી હોસ્પીટલ નજીક રહેતો રાહુલ દલુભાઇ પરમાર (ઉ.વ.૧૮)ગઇ સાંજે ૭.૩૦ વાગ્યે અનિલ કિર્તનભાઇ ડામોર સહીતના મિત્રો સાથે વાતચીત કરતો હતો ત્યારે અનિલ અને રાહુલ વચ્ચે સામાન્ય બોલાચાલીમાં ઝઘડો થયો હતો. આ દરમિયાન અનિલ ડામોરે ઉશ્કેરાઇ જઇને ગાળો બોલી રાહુલને માથાના પાછળના ભાગે જોરથી મુક્કો મારી દેતા રાહુલ બેભાન થઇ ત્યાં જ ઢળી પડયો હતો. અન્ય મિત્રોએ રાહુલ બેભાન થયાની જાણ તેના કાકાના દિકરા મનીષ કલસીંગભાઇ પરમારને કરી હતી. ત્યાર બાદ રાહુલને તાત્કાલીક સારવાર માટે ખાનગી હોસ્પીટલે લઇ જતા ડોકટરે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. આ અંગે મનીષ પરમારે બોરસદ શહેર પોલીસને જાણ કરી અને અનિલ કિર્તનભાઇ ડામોર સામે ફરીયાદ કરતા તેની સામે પોલીસે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:57 pm IST)