Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

ગુજકોમાસોલને મગફળી ખરીદીનું નામ પુરતુ જ કામ : બોર્ડ બેઠકમાં સરકાર પર તડાપીટ

ભાજપના પ્રભુત્વવાળી સંસ્થામાં ભાજપ સરકાર સામે અસંતોષ : ખરીદ કેન્દ્રો આપવામાં ગેરરીતિ ? દિલીપ સંઘાણીની અધ્યક્ષતામાં સૂચક ઠરાવ

રાજકોટ, તા. ૧૭ :  'ગુજકોમાસોલ' તરીકે જાણીતી સહકારી સંસ્થા ગુજરાત સ્ટેટ કોઓપરેટીવ ફેડરેશન લિ.ની બોર્ડ બેઠક આજે અમદાવાદ ખાતે ચેરમેન શ્રી દિલીપ સંઘાણીની અધ્યક્ષતામાં મળેલ. જેમાં મગફળીના ખરીદ કેન્દ્રો આપવામાં અન્યાય થયાની લાગણી વ્યકત કરી સરકાર પર તડામાર બોલાવવામાં આવેલ. સરકારને ઢંઢોળવા માટે ભાષાની મર્યાદા જાળવી ઠરાવ કરવામાં આવેલ પણ તે પૂર્વે બોર્ડ બેઠકમાં ચોંકાવનારી ચર્ચા થયાનું બહાર આવેલ છે.

ગુજરાતમાં સરકાર વતી ખેત ઉત્પાદનની ખરીદી કરવાની હોય ત્યારે માત્ર ગુજકોમાસોલને જ તે જવાબદારી સોપાતી પરંતુ આ વખતે ગુજકોમાસોલને મગફળીની ખરીદી માટે મર્યાદિત જવાબદારી સોંપી બાકીનું કામ અન્ય કેટલીક સંસ્થાઓને સોંપાયેલ ગુજકોમાસોલમાં અત્યાર ભાજપનું ર્વર્ચસ્વ હોવા છતાં સરકારે પ્રણાલિકા ભંગ કર્યાનો કચવાટ બોર્ડ બેઠકમાં વ્યકત કરાયેલ. સંપૂર્ણ ખરીદી ગુજકોમાસોલ હસ્તક હોત તો ખેડૂતોમાંથી જે ગંભીર ફરીયાદો આવી છે તેનો વખત ન આવ્યો હોત તેમ બોર્ડ બેઠકમાં સૂર ઉઠયો હતો. ખેતીની જણસની ખરીદી માટે અમૂક કેન્દ્રો આપવામાં સરકારમાં ગેરરીતિ થયાની ચર્ચા પણ ગુજકોમાસોલમાં થયાનું ચર્ચાઇ રહ્યા છે. અમૂક મહાનુભાવોના નામ જોગ મુદ્દા ઉછળ્યા હતા. ગોડાઉન ભાડે રાખવામાં પણ વહાલા-દવલાની નીતિનો આક્ષેપ થયો હતો. સરકાર ભવિષ્યમાં ખેત ઉત્પાદનની ટેકાના ભાવે ખરીદીમાં ગુજકોમાસોલની ઉપયોગીતા બરાબર સમજે તે માટે ઠરાવ કરાયેલ. સંસ્થા દ્વારા રાજયમાં વિવિધ જગ્યાએ ખેતીની જણસના મૂલ્યવૃદ્ધિ કેન્દ્રો શરૂ કરવાનું નક્કી કરાયું હતું. (૯.૬)

(4:17 pm IST)