Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ગુજરાત ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા ભારે માર્જિનથી જીતશે

કેજરીવાલની બીજી મોટી ભવિષ્‍યવાણી : અરવિંદ કેજરીવાલે ગુજરાતની મહિલા અને યુવાનોને અપીલ કરતા જણાવ્‍યુ કે, તમે પરિવારના તમામ સભ્‍યોને આમ આદમી પાર્ટીને વોટ કરવાનું કહો

સુરત, તા.૨૮: ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા માહોલમાં ગરમાવો દેખાઇ રહ્યો છે. અરવિંદ કેજરીવાલે આજે ફરી પ્રેસ કોન્‍ફરન્‍સ કરી છે જેમાં બીજી મોટી ભવિષ્‍યવાણી કરી દીધી છે. તેમણે આગાહી કરતા જણાવ્‍યુ છે કે, સુરતમાંથી ગોપાલ ઇટાલિયા મોટા માર્જિનથી જીતશે.

અરવિંદ કેજરીવાલે પત્રકારોને સંબોધતા જણાવ્‍યુ કે, ગઇકાલે અમારી ટેક્‍સટાઇલ વેપારીઓ સાથે બેઠક થઇ હતી. આજે ડાયમંડનાં વેપારીઓ સાથે મિટિંગ છે. આ બધામાંથી એક જ વાત નીકળીને આવે છે કે, વેપારીઓને ધમકાવવામાં આવે છે, તેમને ગંદી ગંદી ગાળો બોલવામાં આવે છે, તેમનું અપમાન કરવામાં આવે છે. તો આવી પરિસ્‍થિતિમાં કોઇ પોતાનો વેપાર કઇ રીતે કરી શકે? આ ચૂંટણી બદલાવની ચૂંટણી છે. તમામ વેપારીઓ આપને વોટ આપવાના છે. તેઓ પોતાનું નામ જાહેર નથી કરી શકતા. નહીં તો તેમનો ધંધો બંધ થઇ જાય.

આ સાથે તેમણે વધુમાં જણાવ્‍યુ કે, તમારી પાસે આ મોટી તક છે. આ આખી વ્‍યવસ્‍થાને ઉખાડીને ફેંકી દો. આમ આદમી પાર્ટીને વોટ આપો અને ડર અને સન્‍માન સાથે તમે કામ કરી શકો છો.

અરવિંદ કેજરીવાલે ગુજરાતની મહિલા અને યુવાનોને અપીલ કરતા જણાવ્‍યુ કે, તમે પરિવારના તમામ સભ્‍યોને આમ આદમી પાર્ટીને વોટ કરવાનું કહો. મહિલાઓ વોટ આપી રહી છે કારણ કે, દેશમાં પહેલીવાર એવી પાર્ટી આવી છે કે જે કહે છે કે અમે તમને મોંઘવારીથી છૂટકારો અપાવી દઇશું. મહિલાઓ વીજળીનાં બિલથી છૂટકારો અને દરેક મહિલાના ખાતામાં એક હજાર મળશે. આ ઉપરાંત તેમને કહ્યુ કે, બેરોજગારોને માસિક ભથ્‍થું આપવામાં આવશે.

નોંધનીય છે કે, રવિવારે કરેલી પ્રેસકોન્‍ફરન્‍સમાં તેમણે કહ્યું હતુ કે, ‘અત્‍યાર સુધી પંજાબ અને દિલ્‍હીમાં જેટલી ભવિષ્‍યવાણી મેં કરી છે તે બધી સાચી પડી છે. હું આજે ગુજરાત માટે ભવિષ્‍યવાણી કરવા જઇ રહ્યો છું, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. ૨૭ વર્ષનાં કુસાશન બાદ ગુજરાતની જનતા રીલીફ મળશે.' તેમણે વધુમાં કહ્યુ કે, અમારી સરકાર બનશે તો ૩૧ ડિસેમ્‍બર સુધીમાં જૂની પેન્‍શન સ્‍કિમ લાગુ કરવાનું નોટિફિકેશ ન જાહેર કરી દેવામાં આવશે. પંજાબમાં પણ થયું છે અને ગુજરાતમાં પણ થશે. આ ઉપરાંત કોન્‍ટ્રાક્‍ટનાં કર્મચારીઓની તમામ સમસ્‍યાઓને ઉકેલવામાં આવશે.

(3:40 pm IST)