Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

ગાંધીનગર જિલ્લામાં માસ્ક ન પહેરી જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ

ગાંધીનગર:જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે પોલીસ હવે મેદાને પડી છે અને સોશ્યલ ડીસ્ટેન્સીંગ તેમજ માસ્કના જાહેરનામાંનું કડક પાલન કરાવવા માટે કામગીરી કરી રહી છે. નિયમોનો ભંગ કરતાં લોકો સામે જાહેરનામાંના ભંગ બદલ ગુના નોંધવામાં આવી રહયા છે અને છેલ્લા ર૪ કલાકમાં જિલ્લામાં અલગ અલગ સ્થળોએ ૧પ ગુના નોંધવામાં આવ્યા છે. પોલીસે દંડની સાથે ગુના નોંધવાનું શરૂ કરતાં નિયમોનો ભંગ કરતાં લોકોમાં ફફડાટ પણ ફેલાયો છે.   

દિવાળીના પર્વ બાદ સમગ્ર રાજયમાં કોરોનાનું સંક્રમણ વધી રહયુ છે તેમાં પાટનગર ગાંધીનગર પણ બાકાત રહયું નથી. ગાંધીનગર શહેર જિલ્લામાં પણ દરરોજ પ૦થી વધુ કોરોનાના કેસ નોંધાઈ રહયા છે અને છેલ્લા દસ જ દિવસમાં ૧૦૦થી વધુ કોરોનાગ્રસ્ત લોકોના મોત પણ નીપજયા છે. આવી સ્થિતિમાં વહીવટી તંત્રની સાથે પોલીસ પણ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે મેદાને પડી છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં પોલીસ દ્વારા તંત્ર દ્વારા બહાર પડાયેલા સોશ્યલ ડીસ્ટેન્સીંગ, માસ્ક સહિતના જાહેરનામાંનું કડકપણે પાલન કરાવવામાં આવી રહયું છે જેમાં દંડની સાથે ગુના પણ નોંધવામાં આવી રહયા છે. જે અંતર્ગત અડાલજમાં માસ્ક વગર પાનના ગલ્લે બેઠેલા સુભાષભાઈ પરસોત્તમદાસ પ્રજાપતિ, પાલજમાં માસ્ક વગર કરિયાણાની દુકાન ચલાવતાં પરણમલ ફુફારામ કુમાવત, પાણીપુરીની લારી ઉપર ભીડ ભેગી કરનાર રતનલાલ કિસનલાલ જટીયા, ચિલોડા પાસે સ્વીટમાર્ટની દુકાન ચલાવતા અને માસ્ક નહીં પહેરનાર કિશનભાઈ ઉદાભાઈ ગુર્જર, ડભોડામાં શાકભાજીની લારી ચલાવી માસ્ક નહીં પહેરનાર પુષ્પાબેન રાજુભાઈ દંતાણી અને જયંતિભાઈ હીરાભાઈ દંતાણી સામે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો. વાવોલ ફાટક પાસે માસ્ક વગર ફરતાં વજેસિંહ વિઠ્ઠલભાઈ લુહાર સામે ગુનો નોંધાયો હતો તો ઈન્દ્રોડા સર્કલ નજીક કારમાં વધુ પેસેન્જર બેસાડનાર માણસાના સુરેશકુમાર ચંપકલાલ જાની સામે પણ પોલીસે જાહેરનામાંના ભંગ બદલ ગુનો નોંધ્યો હતો. 

(5:14 pm IST)