Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

દુલ્હનનો રીપોર્ટ પોઝીટીવ

સુહાગરાતે પતિ-પત્નિએ અલગ રૂમમાં ઉંઘવું પડયું

વલસાડ, તા.૨૮: કોરોનાને કારણે લોકોના ધામધૂમથી પરણવાના અરમાનો પર પાણી ફરી વળ્યું છે. આટલું વળી ઓછું હોય તેમ વલસાડમાં બનેલા એક ચોંકાવનારા કિસ્સામાં લગ્નના દિવસે જ દુલ્હનનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને કવોરન્ટાઈન કરાઈ હતી, અને તેના કારણે સુહાગરાતે પતિ-પત્નીને અલગ-અલગ રુમમાં ઉંદ્યવાનો વારો આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, મોટા બજાર વિસ્તારમાં રહેતી યુવતીમાં કોરોનાના લક્ષણ દેખાતા તેનો ગુરુવારે રિપોર્ટ કરવામાં આવ્યો હતો. શુક્રવારે જયારે તે પોઝિટિવ હોવાનું કન્ફર્મ થયું ત્યારે આરોગ્ય ખાતાની ટીમને જાણવા મળ્યું હતું કે યુવતીના તો શુક્રવારે જ લગ્ન છે.

આ માહિતી મળતા જ આરોગ્ય ખાતાની ટીમો દોડતી થઈ ગઈ હતી. યુવતીના લગ્ન કયાં છે તે શોધવા માટે અનેક હોલ પર તપાસ કરાઈ હતી. આખરે એક હોલમાં યુવતીના લગ્ન ચાલી રહ્યાનું કન્ફર્મ થતાં અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

જોકે, દુલ્હન કોરોના પોઝિટિવ હોવાની જાણ થતાં જ વરરાજા, જાનૈયા, લગ્નમાં આવેલા મહેમાનો ઉપરાંત દુલ્હનને તૈયાર કરવા આવેલી બ્યૂટિશિયન પણ ટેન્શનમાં આવી ગઈ હતી. આરોગ્ય વિભાગ દ્વારા લગ્નમાં હાજર લોકોના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા.

લગ્નમાં હાજર મહેમાનોને એકબીજાથી ડિસ્ટન્સ રાખવા તેમજ માસ્ક ફરજિયાત પહેરવા માટે કહેવામાં આવ્યું હતું, અને લગ્નવિધિ પૂરી થતાં જ યુવતીને ૧૦ દિવસ માટે કવોરન્ટાઈન કરવામાં આવી હતી. આમ, કોરોનાને કારણે પતિ-પત્ની પોતાની મધુરજની નહોતા માણી શકયા.

મળતી માહિતી અનુસાર, વરરાજા જાન લઈને મુંબઈથી આવ્યા હતા, અને યુવતી આ મહિને જ મુંબઈ લગ્નની ખરીદી કરવા માટે ગઈ હતી. યુવતીનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતા તેના અન્ય પરિજનોનો પણ ટેસ્ટ કરાયો હતો, પરંતુ તેમના રિપોર્ટ નોર્મલ આવ્યા હતા.

(3:24 pm IST)