Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

લોકોની આવકો વધતા લોનની માંગ વધી

બેંકોની લોન ૨૭ ટકા જયારે નોન બેંકીંગ ફાયનાન્‍સની લોનમાં ૪૭ ટકાનો વધારો : ફાર્મા, હેલ્‍થકેર, શિક્ષણ, ઓટોમોબાઇલ સેકટરમાં લોનની માંગમાં ઉછાળો

અમદાવાદ, તા.૨૭: ઔદ્યોગિક વિકાસ પાછો વધી રહ્યો છે અને લોકોની આવક સુધરી રહી છે ત્‍યારે લોનની માંગ પણ વધી રહી છે. ૨૦૨૨-૨૩ના પ્રથમ ત્રિમાસીકમાં બેંક લોનો ગયા વર્ષના એ જ ત્રિમાસીકના ૬.૦૫ લાખ કરોડથી ૨૭ ટકા વધીને ૭.૬૮ લાખ કરોડ પર પહોંચી હોવાનું સ્‍ટેટ લેવલ બેંકર્સ કમિટી (એસએલબસીસી)નું કહેવું છે.

ફાયનાન્‍સ ઇન્‍ડસ્‍ટ્રી ડેવલપમેન્‍ટ કોર્પોરેશન (એફઆઇડીસી) અનુસાર, નોન બેંકીંગ ફાયનાન્‍સ કંપનીઓની લોન મંજૂરીમાં પણ ગુજરાતમાં આ ત્રિમાસીકમાં ૪૭.૩ ટકાનો વધારો જોવા મળ્‍યો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ૨૨૬૩૪.૨૮ કરોડની લોન મંજૂર કરાઇ છે જે ગત વર્ષના એ સમયગાળામાં ૧૫૩૬૩.૭ કરોડ હતી. બેંકરોનું કહેવુ છે કે કેપેક્ષ સાઇકલ પાછી ફરવાથી કેટલાક સેકટરોમાં લોનની માંગ વધવાના કારણે આ આંકડાઓ વધ્‍યા છે.

એફઆઇડીસીની ડાયરેકટર કેવી શ્રીનિવાસને કહ્યું, ‘બજારમાં લોનની માંગ વધવી એ બીઝનેસ અથવા આવક વધવાની નિશાની છે. લોન લેનારાઓનો વિશ્‍વાસ વધ્‍યો છે પછી તે ધંધા માટે હોય કે પછી અંગત, કોરોના મહામારીના બે વર્ષ પછી ધંધો મુખ્‍યત્‍વે વિકસ્‍યો છે, ઘણા ક્ષેત્રોમાં ઉત્‍પાદન ક્ષમતા વધારવાનું ચાલુ છે જેના માટે લોન લેવાઇ રહી છે.'

બેંકરો અનુસાર ફાર્માસ્‍યુટીકલ્‍સ, હેલ્‍થકેર, શિક્ષણ, ઓટોમોબાઇલ અને ઓટો પાર્ટસ જેવા ક્ષેત્રો સારો બીઝનેસ કરી રહ્યા છે અને તેઓ ઉત્‍પાદન ક્ષમતા વધારી રહ્યા છે. તો બીજી તરફ નવા મકાનોની માંગ વધતા ઓટો મોબાઇલ લોન પણ વધી રહી છે.

જાહેર ક્ષેત્રની એક બેંકના સીનીયર અધિકારીએ નામ જાહેર ના કરવાની શરતે કહ્યું કે બેંક દ્વારા મંજૂર કરાયેલ લોન ગયા વર્ષના એ જ કવાર્ટરની સરખામણીમાં ૧૦ ટકા વધી છે જયારે એનબીએફસીની લોન મંજુર એ જ સમયગાળામાં ૪૯ ટકા જેટલી વધી છે.

(4:16 pm IST)