Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

ગુજરાતનો નારાજ જેલ સ્‍ટાફ સામુહિક રજા પર જતા અટકયો તેનું આ છે રહસ્‍ય

મુખ્‍ય જેલ વડા ડો.કે.એલ.એન રાવ દ્વારા તાકીદે મામલો હાથમાં લઇને કુનહ દાખવતા પરિસ્‍થિતિ વણસતી અટકીઃજેલ રક્ષક વગર કેદીઓ રેઢા રહે તો શું થાય? રાજય સરકારે પણ મોટુ મન રાખ્‍યું, આમ વધુ એક આંદોલન અટકયું

રાજકોટ તા.૨૮:ગુજરાતમાં વિવિધ સરકારી કર્મચારીઓ દ્વારા પોતાની પડતર માંગણીઓ અંતર્ગત આંદોલન વિધાનસભાની ચૂંટણી સમયે જ જોર પકડતા આ આંદોલન કેવી રીતે તાકીદે પૂર્ણ કરી આમ આદમી પાર્ટી આ આંદોલનનો લાભ ન ઉઠાવે તે માટે રાજય સરકારના આઇબી સહિતના અન્‍ય કોર ગ્રુપ દ્વારા સખત મહેનત ઉઠવાઇ રહી છે તેવા સમયે ગુજરાતના જેલ સ્‍ટાફ દ્વારા સામૂહિક રીતે આગામી ૨૮ તારીખે માસ સી.એલ.પર જવા એલાન કરતા જ રાજયના ખૂબ અનુભવી એવા એડી.ડીજી લેવલના રાજયના મુખ્‍ય જેલ વડા ડો.કે.એલ.એન.રાવ દ્વારા રક્ષકો વગર એક દિવસ પણ જેલ રેઢી રહે તો શું પરિસ્‍થિતિ સર્જાય તે સમજતા વાર ન લાગી તાકીદે બેઠક કરી પોતે તુરંત રાજય સરકાર, ગૃહખાતા સાથે ચર્ચા કરી તુરંત નિવેડો લાવશે તેથી કોઇ જગ્‍યાએ આવેદન પત્ર વિગેરે બાબતોથી દુર રહેવા સમજાવ્‍યા, અને ડો રાવ દ્વારા રાજય સરકાર સાથે ચર્ચા કરતા રાજય સરકારે પણ જે ભુલ રહેલ છે તે દુર કરવા ખાતરી આપી આગળની પરિસ્‍થિતિ સાંભળી તેમને મામલો સુપ્રત કરેલ. આખી બાબત આ મુજબ છે.

ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં પોલીસ કોસ્‍ટેબ્‍યુલરી કર્મચારીઓને જાહેર સુરક્ષા પ્રોત્‍સાહન (પબ્‍લીક સિકયુરીટી ઇન્‍સેન્‍ટીવ)વોશિંગ એલાઉન્‍સ તથા ફિકસ પગારના પોલીસ કોસ્‍ટેબ્‍યુલરીના રજા પગારમાં વધારો કરવામાં આવેલ, જેમાં જેલ પોલીસ સંવર્ગના કર્મચારીઓનો સમાવેશ ન હોવાથી જેલોના રક્ષક વર્ગમાં નારાજગી સાથે માસ સી.એલ.પર જવાનો નિર્ણય લેવામાં આવેલ.

ડો.કે.એલ.એન.રાવ (આઇપીએસ)અધિક પોલીસ મહાનિર્દેશક, જેલ અને સુધારાત્‍મક વહીવટ, ગુજરાત રાજય, અમદાવાદનાઓ દ્વારા સરકારશ્રી સાથે ચર્ચા કરવામાં આવતાં સરકારશ્રી દ્વારા આ બાબતે હકારાત્‍મક વલણ દાખવેલ છે અને ટુંક સમયમાં આ અંગે નિર્ણય લેવામાં આવનાર છે. જે બાદ કર્મચારીઓ દ્વારા તા.૨૮/૦૯/૨૦૨૨ના રોજ માસ સી.એલ અંગેનો કાર્યક્રમ મોકુફ રાખવામાં આવેલ છે. સદર પ્રકરણે ડો.કે.એલ.એન.રાવ જેલ અને સુધારાત્‍મક વહીવટ, ગુજરાત રાજય, અમદાવાદનાઓ દ્વારા પાંચ સભ્‍યોની કમિટીની રચના કરવામાં આવેલ છે, જે કમિટી તમામ સ્‍તરે ચર્ચા કરશે અને તા.૩૦/૯/૨૦૨૨ના રોજ પ્રથમ બેઠક કરશે.

(5:29 pm IST)