Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

અગ્નિવીર યોજનામાંથી નિવૃત્ત થનારા જવાનો માટે વડોદરાના ઓદ્યોગિક એકમોમાં રોજગારની તક મળશે

વડોદરા ખાતે VCCI અને 14 ઉપરાંત ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પદાધિકારીઓ દ્વારા કરાઈ ઉજવણી: ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે મેક ઈન ગુજરાત વેબ પોર્ટલનું અનાવારણ

વડોદરા :27 જૂનના દિવસને સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. World MSME Day નિમિત્તે આજે વડોદરા ખાતે 14 ઉપરાંત ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પદાધિકારીઓ દ્વારા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ખાસ ઉજવણી કરવામાં કરવામાં આવી હતી

પ્રાપ્ત વિગતો અનુસાર 27 જૂને સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો દિવસ એટલે કે World MSME Day તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ્ય વૈશ્વિક આર્થિક વૃદ્ધિ અને ટકાઉ વિકાસમાં MSMEના યોગદાન અંગે જનજાગૃતિ વધારવાનો છે. આજે વિશ્વ MSME દિવસ, વડોદરા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (VCCI), વડોદરાની આસપાસના લગભગ 14 ઉપરાંત ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પદાધિકારીઓ અને ઉદ્યોગકારોની હાજરીમાં BJP પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ઉજવાયો હતો.

આ પ્રસંગે સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, MSME સૌથી સારૂ કામ ગુજરાતમાં કરે છે. આ વાત મને પ્રધાનમંત્રી મોદીએ કહી હતી. MSME રોજગારમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આપણા દેશમાં કહેવાય છે કે સૌથી વધુ રોજગારી ખેતી આપે છે. ખેતી પછી જો કોઈ સારી રોજગારી આપતુ હોય તો તે MSME આપે છે. મહત્વનું છે કે આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે વડોદરા શહેરના સાંસદ રંજન ભટ્ટ, ગુજરાત સરકારના મહિલા બાળ કલ્યાણ મંત્રી મનિષા વકીલ અને મેયર કેયુર રોકડિયા અને ધારાસભ્ય જીતુ સુખડિયા, યોગેશ પટેલ, સીમા મોહિલે. ગુજરાત ભાજપના મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, ભાજપ વડોદરા શહેરના અધ્યક્ષ ડો. વિજય શાહ ઉપસ્થિત રહ્યા હતા.

નોંધનીય છે કે ઔદ્યોગિક સંગઠનોએ એક અનુકરણીય પહેલ કરી અગ્નિવીર યુવાનોને લઈને રિસ્પોન્સ ઓફ વડોદરા, એમએસએમઈ ફોર અગ્નિવીર કાર્યક્રમ અંતર્ગત ઋણ અદા કરવાની જાહેરાત કરાઈ હતી. VCCI એ નવીન અને આધુનિક ટેક્નોલેજીના માધ્યમથી વૈશ્વિક કક્ષાનું ડિજીટલ પ્લેટફોર્મ મેક ઈન ગુજરાત વેબ પોર્ટલ બનાવ્યું છે. જે ઉદ્યોગ અને સેવાકિય પ્રવૃત્તિઓને આવરી લેતુ આ પોર્ટલ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નિર્મિત ભારતનું સૌ પ્રથમ વેબ પોર્ટલનું અનાવારણ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે આજે કરવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે વડોદરા VCCI ના જોઈન્ટ સેક્રેટરી જલેન્દુ પાઠકે જણાવ્યું હતું કે, આજે વિશ્વ MCME દિવસ નિમિત્તે વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ તથા વડોદરાની આસપાસના 14 જેટલા ઔદ્યોગિક એસોશિએશન ભેગા થઈ આ દિવસને એક પરિણામ લક્ષી દિવસ તરીકે ઉજવવાનો એક પ્રયાસ કર્યો હતો. આજના આ કાર્યક્રમમાં મુખ્યત્વે ઉદ્યોગ અને વેપારના વિકાસની વાત હતી. પ્રધાનમંત્રી મોદીએ જોયેલા સ્વપ્ન 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી તરફ દેશને લઈ જવાની વાત હતી. MSME એ દેશના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે. જેથી સારા પ્રયત્નો કરી આ સ્વપ્નને સાકાર કરવાની અમે શપથ લીધી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં અગ્નિવીર યોજના હેઠળ અસમજસની સ્થિતિ ફેલાઈ છે અને જે યુવાનોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. જેથી આ અગ્નિવીરો માટે વડોદરા અને તેની આસપાસના 14 ઔદ્યોગિક એસોશિએશનોએ ભેગા થઈ, ખાતરી આપી છે કે 4 વર્ષના કાર્યકાળ પછી અગ્નિવીરોને અમે MSME એકમોમાં યોગ્ય રોજગારી આપીશું. આ પહેલથી ઉદ્યોગોને પણ તાલીમબદ્ધ યુવાનો મળી રહેશે. જેની હાલ ઉદ્યોગમાં ખામી છે. આ ઉપરાંત VCCI નો ડ્રિમ પ્રોજેક્ટ મેકઈન ગુજરાતના વેબ પોર્ટલનું લોન્ચ થયુ છે. આ પોર્ટલ સમગ્ર દેશમાં સૌ પ્રથમ VCCI દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના 50 હજારથી પણ વધુ ટ્રેડ અને ઈન્ડસ્ટ્રીઝના ડેટા અવેલેબલ છે. અને આ સૌ ડેટા અને ઈન્ડસ્ટ્રીઝ એક બિજા સાથે કનેક્ટ રહી શકશે. આ સાથે પોતાની જરૂરિયાત પણ આ પોર્ટલમાં તેઓ જાહેર કરી શકશે. જેથી વોકલ ફોર લોકલ આત્મનિર્ભર ભારતની દિશામાં આત્મ નિર્ભર ગુજરાતને વધારે સશક્ત બનાવવાનું અને MSME ને વધારે બળ આપવાનું એક સ્વપ્ન જે VCCI એ જોયું હતું તે પોર્ટલના માધ્યમથી આજે પૂર્ણ થયું છે.

(9:08 pm IST)