Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

અંકલેશ્વરના અડોલ ગામમાં પાણી પ્રશ્ને મહિલાઓ મેદાને :ઓ.એન.જી.સી. કંપનીના વાહનો અટકાવી દેતા દોડધામ

પાણી નહિ મળે તો ગામની મહિલાઓ આગામી સમયમાં કંપનીની કચેરીએ જઇ વિરોધ નોંધાવશે તેવી પણ ચીમકી અપાઈ

અંકલેશ્વરના અડોલ ગામ સહિત 12 ગામોને વર્ષ 1965 થી ઓ.એન.જી.સી. કંપની પાણી પૂરું પાડે છે. પેહલા 24 કલાક, પછી 12 કલાક અને હવે દિવસમાં 8 કલાક પાણી અપાઈ છે તેમ કંપની કહી રહી છે. સામે ગ્રામજનોને પહેલાની જેમ 12 કલાક પાણી જોઈએ છે.

જ્યારે અડોલની મહિલાઓનું કહેવું છે કે, છેલ્લા બે મહિનાથી ગામને પાણી જ મળતું નથી. જેને લઈ આજે પાણીની પોકાર સાથે ગામની મહિલાઓએ ભેગી થઈ ઓ.એન.જી.સી. કંપનીના વાહનો અટકાવી દેતા દોડધામ મચી ગઇ હતી. કંપનીના અધિકારીએ સ્થળ ઉપર દોડી આવી તેઓની પાણીની માંગ મેનેજમેન્ટને રજુઆત કરી ઉકેલવાની ખાતરી આપતા મામલો શાંત પડ્યો હતો.

જો પાણી નહિ મળે તો ગામની મહિલાઓ આગામી સમયમાં કંપનીની કચેરીએ જઇ વિરોધ નોંધાવશે તેવી પણ ચીમકી અપાઈ છે. ઉલ્લેખનીય છે કે , ઓ.એન.જી.સી. કંપની સોશ્યલ કંપની રિસ્પોનસીબલ હેઠળ તેની કોલોની, કંપની સાથે અંકલેશ્વર તાલુકાના 12 ગામોને પાણી પુરવઠો પૂરો પાડે છે.

આ પાણી સુરતની કેનાલમાંથી લિફ્ટ કરી તેને ફિલ્ટર કર્યા બાદ પૂરું પાડવામાં આવે છે. જે પાઇપલાઇન 57 વર્ષ જૂની છે. જેમાં વારંવાર ભાંગણ પડે છે. હાલમાં જ સમારકામ માટે શતડાઉન માટેનું શિડયુલ લેવામાં આવ્યું હતું. જેને લઈને પણ આ ગામોને પૂરો પડાતો પાણી પુરવઠો ખોરંભાયો હતો. હાલ તો પાણીની સમસ્યા ઉકેલવામાં આવશે તેવી ઓ.એન.જી.સી. ના એમ.એચ.પી. મેનેજરે ગામની મહિલાઓને ખાતરી આપતા કંપનીના રોકી દેવામાં આવેલા વાહનોને જવા દેવામાં આવ્યા હતા.

(9:03 pm IST)