Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

ભાવનગર ખાતેના સિંહોરના લોકોએ તંત્રની દરકાર કર્યા વિના સ્‍વખર્ચે 3.50 લાખની અલગ પાઇપ લાઇન નાખી પાણીની સમસ્‍યા હલ કરી

પાણી સમસ્‍યાથી પીડાતા લોકો દ્વારા અનેક વખત તંત્રમાં રજુઆત કરાઇ છતાં તંત્ર બેદરકાર

ભાવનગર: ભાવનગર જિલ્લાના સિહોરના લોકોએ વર્ષો જૂની પાણીની સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો, લીલાપીર વિસ્તારના લોકોને 15-20 દિવસે પીવાનું પાણી મળતું હતું, અને પાણી મેળવવા દૂર દૂર સુધી જવું પડતું, પરંતુ હવે અહીંના લોકો રાતદિવસ ગમે ત્યારે પાણી મેળવી શકે છે, માત્ર 3.50 લાખના ખર્ચે જાત મહેનતથી પોતાની અલગ પાણીની લાઈન નાખી સોસાયટીમાં ઘરે ઘરે પાણી પહોંચાડયું, તેમજ પીવાના પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવીને લોકોને નવો રાહ ચીંધ્યો છે.

ભાવનગરના રાજવીઓએ ભાવનગર રાજ્યની સ્થાપના પહેલા સિહોરને પોતાની રાજધાની બનાવી હતી, અને એ સમયે તે સિંહપુરના નામે પ્રસિદ્ધ હતું, રજવાડાના સમયમાં અહી પાણી માટે ખૂબ સારી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેના કારણે લોકોને પીવાનું પાણી મળી રહેતું હતું, પરંતુ રજવાડાના વિલીનીકરણ બાદ હાલના અત્યાધુનિક સમયમાં પીવાના પાણીની સમસ્યા ઘટવાને બદલે વધી રહી છે, અને જેના કારણે લોકો પીવાના પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. અહીંના લોકોને 10 થી 15 દિવસે એકવાર પીવાનું પાણી મળે છે. પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા લોકો દ્વારા અનેક વખત આંદોલનો અને રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આજદિન સુધી અહીંનું સ્થાનિક પ્રશાસન લોકોની પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ શોધી શક્યું નથી. પરંતુ સિહોરમાં જ આવેલા લીલાપીર વિસ્તારના લોકોએ હવે આ સમસ્યાને ભૂતકાળ બનાવી દીધી અને ઘરે ઘરે પાણી પહોંચાડી સમસ્યાનો અંત લાવી દીધો છે.

ભાવનગર જિલ્લાના સિહોરમાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યાથી સ્થાનિક લોકો પીડાઈ રહ્યા છે, સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆતો કરાઈ, આંદોલનો પણ કર્યા, બીજી બાજુ લોકોને પૂરતું પાણી મળે એ માટે તંત્ર દ્વારા અનેક પ્રયાસો પણ કરવામાં આવ્યા. પરંતુ તેમ છતાં પીવાના પાણીની સમસ્યાનો કોઈ ઉકેલ આજ સુધી નથી આવ્યો. જેના કારણે હાલ સિહોરના લોકોને અલગ અલગ વિસ્તાર મુજબ 8 થી 10 દિવસે એકવાર પીવાનું પાણી વિતરણ કરવામાં આવે છે. પરંતુ આજ ગામમાં આવેલા લીલાપીર વિસ્તારના લોકોએ એક સંપ કરી પીવાના પાણીની આ સમસ્યાને જ ભૂતકાળ બનાવી લોકોને એક નવી રાહ ચીંધી છે.

પાણીના ટાંકા મંગાવવા પાછળ વર્ષે હજજારો રૂપિયાનો ખર્ચ કરવો પડતો હતો અને વારંવાર ની રજૂઆતોને લઈને લોકો કંટાળી ગયા હતા. અંતે પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા સોસાયટીના રહીશો એકત્રિત થયા અને જાત મહેનતથી આ સમસ્યાનો અંત લાવવા નક્કી થયું, જેના માટે સૌ લોકોએ ભેગા મળી તેઓ પૈકીના એક ને પ્રમુખ બનાવી જવાબદારી સોંપી યોજના અમલમાં મૂકી અને માત્ર 3.50 લાખનો ખર્ચ કરી આખી સોસાયટીના લોકોને ઘરે ઘરે પાણી પહોંચતું કર્યું. અને હવે આજુબાજુના રહીશોને પણ મદદ કરવા લોકોએ તૈયારી દર્શાવી એક નવી પહેલ કરી છે. 

સિહોરના સ્થાનિક આગેવાન નૌશદભાઈ કુરેશી કહે છે કે, સિહોરની આ સોસાયટી શહેરના સામાન્ય જમીન લેવલ થી 100 થી 150 ફૂટ ઊંચાઈ પર આવેલી છે, જેના કારણે તંત્ર દ્વારા અનેક વખત મહેનત કરવા છતાં સમસ્યાનો અંત આવતો ના હતો. પરંતુ કહેવાય છે ને કે કોઈપણ કઠિન કાર્ય ને પૂર્ણ કરવા માત્ર ઈચ્છાશક્તિ ની જરૂર પડે છે, મન માં એક વખત નક્કી કર્યા બાદ લાગી પડો તો કોઈ કાર્ય મુશ્કેલ નથી લાગતું, આવું જ કંઇક સિહોરના લીલાપીર વિસ્તારના લોકોએ કરી બતાવ્યું છે, તેમણે બનાવેલી યોજના અમલમાં મૂકીને સ્થાનિક લોકો પાસેથી માત્ર 12-12 હજાર રૂપિયા ઉઘરાવ્યા, તેમજ સોસાયટીમાં યોગ્ય તપાસ કરાવી 600 ફૂટનો ડાર ગળાવ્યો. જેમાં 500 ફૂટની 2.5 ઇંચની પિવિસી લાઈન ઉતારી. કુદરત પણ લોકોના નસીબમાં જોર લગાવતી હોવાથી ડારમાં પણ મીઠું પાણી નીકળતા લોકો ખુશખુશાલ બની ગયા. 

ત્યાર બાદ નજીકમાં જ સિહોરના રજવાડા સમયની ગઢની રાંગ સુધી 350 ફૂટ લંબાઈની 2 ઇંચ ની પીવિસી લાઈન લંબાવી, સાથે ગઢ ની રાંગ પર 5 હજાર લિટર પાણીનો ટાંકો મૂકાવી દીધો, અને ત્યાર બાદ તેમાંથી આજુબાજુના 30 જેટલા ઘરોમાં 1000 થી 1200 ફૂટ લંબાઈની અડધા ઇંચ પહોળી લાઈન લંબાવી પાણીના કનેક્શન આપી દીધા, ડાર માથી સીધું જ પાણી ટાંકામાં ભરાય. બસ પછી શું કહેવું, ઘરે ઘરે પહોંચાડી દીધું પાણી. જેટલું જોઈએ અને જ્યારે જોઈએ ત્યારે પાણી મળે છે જેથી હવે અહીંના લોકો ખુશ છે.

(5:39 pm IST)