Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

પ્રેમથી કીધું હોત કે મુખ્‍યમંત્રી આવે છે તો જતી રહેત : ટી સ્‍ટોલ ચલાવતી વિકલાંગ મહિલાની વ્‍યથા

અમદાવાદ તા.૨૮ : રિવરફ્રન્‍ટ પાસે ટી સ્‍ટોલ ચલાવતી વિકલાંગ મહિલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં AMCના અધિકારી અને પોલીસ જવાનો જોવા મળી રહ્યા છે. વીડિયોમાં મહિલાએ પોતાની વ્‍યથા ઠાલવી છે. વીડિયોમાં મહિલાએ આક્ષેપ કર્યો છે કે, દબાણ શાખાના અધિકારી દરેક લારીવાળા પાસેથી હપ્તા ઉઘરાવે છે.

વીડિયોમાં રડતા રડતા મહિલા જણાવી રહી છે કે, ‘વિકલાંગ દીકરીને તમે હેરાન પરેશાન કરો છે. તમે એટલું કહ્યું હોત કે બહેન આજે CM સાહેબ આવે છે, તમે જતા રહો તો હું જતી રહેત. મને કોઈએ પ્રેમથી કીધું હોત કે સીએમ સાહેબ આવે છે, હું પણ રિસ્‍પેક્‍ટ કરું છું અને કોઈનું ખરાબ નથી કરતી. આટલી બધી લારીઓ ચાલે છે એ કોઈને નથી હટાવતા દરરોજ મને હેરાન કરવા માટે આવે છે.

મહિલાએ કહ્યું કે,પ્રેમથી કીધું હોત કે સીએમ સાહેબ આવે છે બહેન આજે જતી રે, આવતીકાલે આવી જજે તો હું ના પાડત. મારી પાસે રેર્કોડિંગ છે, હપ્તા ખાઈ ખાઈને આ લોકો લારીઓ ઊભી રાખવા દે છે. એમનો માણસ કહીને ગયો કે કાલે લારી ન રાખતા AMCવાળા આવવાના છે. આજે એકપણ લારી નથી આવી. તમે આજ પોલીસ સ્‍ટેશનમાં હોયને તો જોજો દરરોજ અહીંયા લારીઓ ઊભી રહે છે. હું ખોટી નથી, હું સાબિતી વગર નથી બોલતી અને પગ નથી આવી દીકરીને હેરાન કરો છો.

વીડિયોમાં મહિલા જણાવી રહી છે કે, અહીંયા મારા માં-બાપ સાથે બેસું છું, ગરીબ છું એટલે મહેનત કરું છું, ચોરી નથી કરતી કોઈને મારતી નથી, ભીખ નથી માંગતી અને ગુજરાતની બધી પબ્‍લિક મને સપોર્ટ કરવા આવે છે. દરરોજના હજારો લોકો પરિવાર સાથે ચા પીવા આવે છે. હું આપઘાત ન કરું અને ડિપ્રેશનમાં ન આવું એટલે અહીંયા આવી છું.

(4:05 pm IST)