Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

ગાંધીનગરમાં સીબીઆઇ અધિકારી એસીબીના હાથમાંથી છટકીને પલાયન

હરિયાણાનો વતની આ અધિકારી પોતાની ગાડી લઇને ભાગ્‍યોઃ ચેક પોસ્‍ટો પર કારના નંબર અને તેના ફોટા મોકલાયા

ગાંધીનગર તા. ર૮ :.. સીબીઆઇનો એક અધિકારી એન્‍ટી કરપ્‍શન બ્‍યુરોના યુનિટ-૧ દ્વારા લાંચ લેતા ઝડપાયા પછી સીબીઆઇ અધિકારીઓની ઉપસ્‍થિતિમાં જ ઘટના સ્‍થળેથી ભાગી ગયો હતો. સીબીઆઇની કસ્‍ટડીમાં ડીજીએફટીના આપઘાત પછી આ બીજી ઘટનાથી સીબીઆઇ ચર્ચામાં આવી છે. સીબીઆઇના આ અધિકારીને ઝડપી લેવા માટે ગુજરાત પોલીસે બધા જીલ્લામાં એલર્ટ જાહેર કર્યા છે.

એક સીનીયર સીબીઆઇ અધિકારીએ કહયું, ‘સંદીપ કુમાર લાંચ સ્‍વીકારતા ઝડપાઇ ગયો હતો અને સીબીઆઇની કસ્‍ટડીમાં હતો ત્‍યારે અચાનક તે દોડીને ઓફીસની બહાર ભાગ્‍યો હતો. તેણે પોતાની કાળા કલરની ટાટા નેકસન એટલાસ કાર ચાલુ કરી અને ઘટના સ્‍થળેથી ભાગી ગયો. હરિયાણાના વતની અને ગાંધીનગરમાં ફરજ બજાવતા આ સીબીઆઇ અધિકારીને ઝડપી લેવા માટે સીબીઆઇની કેટલીક  ટીમો કામે લાગી છે.

પોલીસના સુત્રોએ કહયું કે શનિવારે એક મેસેજ ફલેશ થયો હતો કે ગાંધીનગર ખાતે ફરજ બજાવનાર સીબીઆઇ ઇન્‍સ્‍પેકટર સંદિપ કુમાર લાંચ સ્‍વીકારતા રેડ હેન્‍ડેડ ઝડપાયો છે. અને તે કસ્‍ટડીમાંથી પોતાની કાળા કલરની ટાટા નેકસન એટલાસ કાર જેનો નંબર ડીએલ-૯ સી બીએ પ૪૮૬ છે તેમાં ભાગી ગયો છે. તેનો ફોટોગ્રાફ મેસેજ સાથે એટેચ કરાયો હતો.

સુત્રએ કહયું કે બધા પોલીસ સ્‍ટેશનના અધિકારીઓ, ચેક પોસ્‍ટો અને ફીલ્‍ડ ટીમોને તેને ઝડપી લેવા કહેવાયું છે.

(12:07 pm IST)