Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

૨૦૨૨માં ગુજરાતમાં ૧૪ લાખ મોબાઇલ ગ્રાહકો ઘટી ગયા

મોંઘવારી દેખાડી રહી છે અસર:લોકો વધારાના કનેકશનો રદ્દ કરી રહ્યા છે : સૌથી વધારે સબસ્‍ક્રાઇબરો વીઆઇના ઘટયા

અમદાવાદ તા. ૨૮ : મોંઘવારી પોતાની અસર દેખાડી રહી છે, જેના કારણે ટેલીકોમ સબસ્‍ક્રાઇબરો ઘટી રહ્યા છે. ૨૦૨૨માં ગુજરાતમાં ૧૪ લાખ મોબાઇલ સબસ્‍ક્રાઇબરો ઘટી ગયા છે. તાજા ટેલીકોમ સબસ્‍ક્રીપ્‍શન રિપોર્ટ અનુસાર, ડીસેમ્‍બર ૨૦૨૨માં ટેલીકોમ સબસ્‍ક્રાઇબરોની સંખ્‍યા ૬,૬૦,૬૫,૮૭૧ રહી છે જે ડીસેમ્‍બર ૨૦૨૧માં ૬,૭૪,૭૪,૨૬૭ હતી.

ટેલીકોમ ઇન્‍ડસ્‍ટ્રીના લોકો આના માટે વધી રહેલી મોંઘવારી અને લોકો વધારાના કનેકશનથી દૂર થઇ રહ્યા હોવાને ગણે છે.  ટેલીકોમ ઇન્‍ડસ્‍ટ્રીના એક સૂત્રએ કહ્યું, ‘કોરોના મહામારી વખતે ઘણાં લોકોએ ઇન્‍ટરનેટ કનેકટીવીટી માટે એકથી વધારે કનેકશન લીધા હતા. સમય વીતતા મોંઘવારી વધવા લાગતા આમાંથી ઘણાં કનેકશનો વાપર્યા વગરના પડી રહેતા આપોઆપ ડીસકનેકટ થતાં ગયા. અમુક લોકોએ પોતાના વધારાના કનેકશન જમા કરાવી દીધા પરિણામ સ્‍વરૂપે સબસ્‍ક્રાઇબરોની કુલ સંખ્‍યા ઘટી ગઇ.'

વોડાફોન આઇડીયા લીમીટેડ (વીઆઇએલ)એ એક જ વર્ષમાં સૌથી વધારે ૧૨.૬૨ લાખ સબસ્‍ક્રાઇબરો ગુમાવ્‍યા હતા. વીઆઇએલ પછી સૌથી વધારે ગ્રાહક ગુમાવનાર બીએસએનએલ (૪.૧૭ લાખ) અને એરટેલ (૩.૨૬ લાખ)ના નામ આવે છે. રિલાયન્‍સ જીયો એક માત્ર કંપની છે જેના સબસ્‍ક્રાઇબરોમાં એક વર્ષમાં ૫.૯૮ લાખનો વધારો થયો છે.

(11:51 am IST)