Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

ગુજરાત સરકારે દોઢ મહિનામાં ૫૯ એમઓયુ સાઇન કર્યા: ૯૦ હજાર કરોડનું રોકાણ: ૬૫ હજાર નવી રોજગારીની તકો ઊભી થશે

ગાંધીનગર:ગુજરાત સરકારે આજે પ્રસ્તાવિત ઔદ્યોગિક રોકાણ માટે રૂ.  ૧૧૨૯૧ કરોડના ત્રણ એમઓયુ સાઇન કર્યા છે જેના દ્વારા રાજ્યમાં ૧૦,૬૦૦ વ્યક્તિઓ માટે રોજગારીની નવી તકો ઊભી થશે. આજે રાજ્યની રાજધાની ગાંધીનગરમાં ઉદ્યોગોને સહાયતા માટેની આત્મનિર્ભર ગુજરાત યોજનાઓ હેઠળ ૩ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આજે સહી સિક્કા કરાયેલા ૩ એમઓયુ ફાર્મા અને સોડા એશ ઉદ્યોગોમાં મુખ્યત્વે કરાયા છે. ત્રણમાંથી બે ભારતીય કંપની છે જ્યારે એક જાપાની કંપની છે. સૂચિત એકમો નખત્રાણા, વાલિયા અને સાણંદમાં આવશે.  આ યોજના હેઠળ અગાઉ, જર્મની, યુએસએ, યુકે, કુવૈત અને મલેશિયા વગેરેની ઔદ્યોગિક કંપનીઓએ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.

 

રાજ્ય સરકાર તાજેતરમાં દર સોમવારે આ યોજના હેઠળ એમઓયુ પર હસ્તાક્ષર કરી રહી છે.  આ શ્રેણીમાં, ૧૩ ફેબ્રુઆરીથી ૨૭ માર્ચ સુધી, રૂ. ૯૦,૬૬૫ કરોડના સૂચિત રોકાણ માટે કુલ ૫૯ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.  જેનાથી ૬૫૪૩૧ વ્યક્તિઓ માટે નવી રોજગારીની તકોનો માર્ગ મોકળો બનશે, આ તકો પૈકીની, ૪૦,૦૦૦ રસાયણ ક્ષેત્રમાં હશે જ્યારે ૬૦૦૦ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં અને ૫૦૦૦ રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં હશે.

(8:33 pm IST)