Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

નડિયાદ : આખડોલ ગામે મતદાન સમયે પોલીસ સાથે માથાકુટ બાદ 'વોટર ફોર પંજા'ના સુત્રોચ્ચાર સંભળાયા

ઠેક-ઠેકાણા ગ્રામજનોમાં વિરોધ જોવા મળ્યો

નડિયાદ: આજે રાજ્યની 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. જેમાં શહેરી વિસ્તારો કરતાં ગ્રામીણ વિસ્તારોમાં મતદાન મથકો પર મતદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. મતદાન સમયે અનેક ઠેકાણે EVM ખોટકાયાના સમાચાર પણ સામે આવ્યા છે, ત્યાં નડિયાદના આખડોલ ગામમાં પોલીસ અને કોંગ્રેસ સમર્થકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હોવાની ઘટના બની છે.

આખડોલ ગામમાં કોંગ્રેસના સમર્થકો અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ ગામની મહિલાઓ વચ્ચે પડતા વાતાવરણ તંગ બન્યું હતું. આખડોલના ગ્રામજનો દ્વારા “વોટ ફોર પંજા”ના સુત્રોચાર કર્યા હતા.

આજે મતદાન પહેલા જ વહેલી સવારથી કોંગ્રેસ સમર્થકોએ આખડોલ ગામના રસ્તાઓ પર હોબાળો કરીને પોલીસ વિરુદ્ધ સુત્રોચાર કર્યા છે. જેમાં ગામની મહિલાઓ અને પોલીસ પણ સામસામે આવી ગયા હતા. જેના પગલે ઉશ્કેરાયેલા ગામના સ્થાનિકોએ “વોટ ફોર પંજા”ના સુત્રોચાર પોકાર્યા હતા.

જણાવી દઈએ કે, ખેડા જિલ્લામાં 5 નગરપાલિકા અને 8 તાલુકા પંચાયત ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. નડિયાદ , ઠાસરા, કપડવંજ, કઠલાલ,કણજરી નગરપાલિકા કે જ્યારે કે નડિયાદ,માતર,ખેડા,મહેમદાવાદ, મહુધા,ઠાસરા,ગળતેશ્વર, વસો તાલુકા પંચાયત માટે મતદાન શરૂ થઈ ચૂક્યું છે.

ખેડા જિલ્લામાં તાલુકા પંચાયતના 1115 મતદાન મથક ઉપર મતદાન તો ખેડા જિલ્લામાં 5 નગરપાલિકા માટે 271 મતદાન મથક ઉપર મતદાન શરૂ થઈ ગયું છે. નગરપાલિકા માટે 2,68,753 લોકો જ્યારે તાલુકા પંચાયત માટે 9,11,854 લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. અહીં મતદાનની શરૂઆતમાં જ વિધાનસભાનાં મુખ્ય દંડક પંકજ દેસાઈએ મતદાન કર્યુ હતું. બપોરે 12 વાગ્યા સુધી પાલિકા અને પંચાયતની ચૂંટણીનું સરેરાશ 22 ટકા મતદાન થઈ ચૂક્યું છે.

(4:29 pm IST)