Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

સાયોના હોલિડેઝની ઓફિસ પર દરોડા: અમદાવાદમાં કબૂતરબાજી કરનારા દલાલોનો રાફડો ફાટ્યો

ક્રાઈમ બ્રાંચે સાયોના હોલિડે નામની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસ પર દરોડા પાડી ૩૯ પાસપોર્ટ, ૫૫ બોગસ રબર સ્ટેમ્પ જપ્ત કર્યા

 

અમદાવાદ, તા.૨૮: વિદેશ જવાનું સપનું જોઈ રહેલા યુવાઓનાં બોગસ ડોક્યુમેન્ટ બનાવીને વિદેશમાં મોકલીને છેતરપિંડી આચરતા બે શાતિર ગઠિયાઓનો પર્દાફાશ ક્રાઇમ બ્રાંચે કર્યો છે. ક્રાઇમ બ્રાંચે રેડ દરમિયાન ૩૯ પાસપોર્ટ, ૫૫ રબર સ્ટેમ્પ, તેમજ વિવિધ ડોક્યુમેન્ટ જપ્ત કર્યા છે. વિદેશમાં લઇ જવાની લાલચ આપીને યુવાઓ પાસેથી ગઠિયાઓ લાખો રૂપિયા પડાવતા હતા. પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર કેટલાક ગઠિયાઓએ યુવાઓના લાખો રૂપિયા લઇને તેમને વિદેશમાં નહીં મોકલીને કબૂતરબાજી પણ કરી હોવાની શક્યતા છે.

ક્રાઇમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, સીજી રોડ વિસ્તારમાં આવેલા દેવપથ કોમ્પ્લેક્સમાં આવેલી સાયોના હોલિડે નામની ઓફિસમાં ચીટિંગનો ધંધો ચાલી રહ્યો છે. સાયોના હોલિડેના માલિક ભાવિન રાજેન્દ્રભાઇ પટેલ (રહે, વ્રજધામ એપાર્ટમેન્ટ, ચાણક્યપુરી) અને જસ્મિન અશોકભાઇ પટેલ (રહે, હર્ષિત પાર્ક સોસાયટી, ઘાટલોડિયા) બોગસ સ્ટેમ્પના આધારે ખોટા દસ્તાવેજો ઊભા કરીને યુવાઓને વિદેશમાં મોકલી રહ્યા છે.

બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડા પાડ્યા હતા, જેમાં પોલીસને ૩૯ પાસપોર્ટ, કમ્પ્યુટર, પેનડ્રાઇવ, ૫૫ સ્ટેમ્પ, ખોટા દસ્તાવેજો, કંપનીના લેટર પેડ સહિતની ચીજવસ્તુઓ મળી આવી હતી. ડોક્યુમેન્ટ મામલે પૂછપરછ કરતાં બંને આરોપીઓએ કોઇ સંતોષકારક જવાબ આપ્યો નહીં, જેથી ક્રાઇમ બ્રાંચે તેમની ધરપકડ કરી છે. બોગસ ડોક્યુમન્ટ ઊભા કરીને બંને ગઠિયાઓ યુવાઓ પાસેથી લાખો રૂપિયા પડાવી રહ્યા હતા. લગભગ દોઢેક વર્ષથી બંને ગઠિયાઓ ચીટિંગ કરવાનો ધંધો કરતા હતા જેનો પર્દાફાશ ગઇ કાલે ક્રાઇમ બ્રાંચે કર્યો છે.

ક્રાઇમ બ્રાંચની ટીમે જસ્મિન અને ભાવિનની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે ત્યારે હજુ પણ બીજાં નામ આવે તેવી શક્યતા છે. બંને આરોપીઓ રોનક સોની નામના યુવક પાસેથી ડોક્યુમેન્ટ બનાવતા હોવાનું સામે આવ્યું છે. રોનકની ધરપકડ બાદ વધુ નામ સામે આવે તેવી શક્યતા છે ત્યારે બંને જણા જે એજન્ટોના સંપર્કમાં હતા તેમની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, થોડાક સમય પહેલાં વિદેશમાં જવાનું ઇચ્છતા યુવાઓના બોગસ ડોક્યુમેન્ટ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ એસઓજીની ટીમે કરતા પિતા પુત્ર સહિત પાંચ શખ્સની ધરપકડ કરી હતી. બેંકોના ડોક્યુમેન્ટથી લઇને સરકારી કચેરીઓના તમામ ડોક્યુમેન્ટ દિલ્હી દરવાજા ખાતે આવેલી એક ફેક્ટરીમાં બનતા હતા. એસઓજીની ટીમે બોગસ ડોક્યુમેન્ટ, રબ્બર સ્ટેમ્પ, તેમજ પાસપોર્ટ સહિતની ચીજવસ્તુઓ કબજે કરીને અત્યાર સુધીના સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.

આ સિવાય એલિસબ્રિજ પોલીસે થોડા સમય પહેલા વિદેશમાં જવા માટે ઇચ્છતા યુવાઓની બોગસ માર્કશીટ બનાવવાનું કૌભાંડ પકડી પાડ્યું હતું. અમદાવાદમાં તેમજ ગુજરાતમાં વિદેશમાં લઇ મોકલનાર હજારો કંપનીઓ તેમજ એજન્ટો કાર્યરત છે જે એક ચેઇન બનાવીને કામ કરે છે.

ક્રાઇમ બ્રાંચે કમ્પ્યૂટર જપ્ત કર્યાં છે જેમાં શંકાસ્પદ ફોલ્ડર મળી આવ્યાં હતાં. જેમાં સંખ્યાબંધ ફાઇલો હતી. આ તમામ ડેટાનું એનાલિસિસ કરતા સંખ્યાબંધ એજન્ટોનાં નામ સામે આવ્યાં છે. એજન્ટોની વિગતો લઇને તેમની વિરુદ્ધ પણ કાર્યાવહી પણ કરવામાં આવશે. ક્રાઇમ બ્રાંચની તપાસનો રેલો એજન્ટો સુધી આવતાંની સાથે સંખ્યાબંધ લોકો ભૂગર્ભમાં ઊતરી ગયા છે ત્યારે કેટલાક લોકોએ પોતાનું કામ હાલ પૂરતું બંધ કરી દીધું છે. આજે દરેક યુવાનને ઓસ્ટ્રેલિયા, અમેરિકા, કેનેડા સહિતના દેશોમાં જઇને પોતાનું કરિયર બનાવવાની ઇચ્છા હોય છે. જેના માટે માતા પિતા લાખો રૂપિયા ખર્ચી દેતા હોય છે. યુવાઓ પોતાનું કરિયર બનાવે તે માટે વિદેશમાં મોકલી આપનાર કંપનીઓનો સંપર્ક કરતા હોય છે જ્યારે કેટલાક લોકો એજન્ટોનો સંપર્ક કરતા હોય છે. આજે અમદાવાદ તેમજ ગુજરાતમાં હજારો એજન્ટો તેમજ દલાલો વિદેશમાં લઇ જવા માટે ફરી રહ્યા છે. જેમાંથી મોટા ભાગના લોકો કબૂતરબાજીમાં માનતા હોય છે. આજે વિદેશમાં મોકલી આપવા માટે કબૂતરબાજી કરનાર શખ્સ ઘણા એક્ટિવ થયા છે. બંને શખ્સોની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી તે કબૂતરબાજીમાં માહેર છે. ક્રાઇમ બ્રાંચે તમામ પાસપોર્ટ તેમજ ડોક્યુમેન્ટ પર ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.

(10:36 pm IST)