Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

અમદાવાદ પોલીસ કમિશનર એક્શનમાં: માધવપુરા પોલીસ સ્ટેશનની હદમાંથી ૨૫.૫૨ લાખ રૂપિયાનો દારૂ ઝડપાયો

પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પીઆઇ જી.આર.ગઢવીની તાત્કાલીક ધોરણે સ્પેશિયલ બ્રાંચમાં બદલી કરી દીધી છે

અમદાવાદ, તા.૨૮: સ્થાનિક પોલીસ સિવાય જ્યારે કોઇ પણ એજન્સી દારૂ જુગારના અડ્ડા પર રેડ કરીને ક્વોલિટી કેસ કરે ત્યારે રાજ્યના પોલીસ વડા તેમજ પોલીસ કમિશનર જે તે પોલીસ સ્ટેશનના પીઆઇ, પીએસઆઈ સહિત જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી કરતા હોય છે. ગઇ કાલે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે માધવપુરા પોલીસ સ્ટેશનની હદમાંથી ૨૫.૫૨ લાખ રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો હતો. જેમાં પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પીઆઇ જી.આર.ગઢવીની તાત્કાલીક ધોરણે સ્પેશિયલ બ્રાંચમાં બદલી કરી દીધી છે. નવા પીઆઇએ ચાર્જ સંભાળતાંની સાથે ફરીથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ માધવપુરામાં ત્રાટકી હતી અને દસ જુગારિયાને ઝડપી પાડ્યા છે. એસએમસીએ રાડ બોલાવતાં માધવપુરા પોલીસ સ્ટેશનની પનોતી બેઠી છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગઇકાલે મોડી રાતે પોલીસ કમિશનર કચેરી નજીક આવેલા દૂધેશ્વર પાસેથી દારૂની હેરફેરનો પર્દાફાશ કરીને દસ લોકોની ૨૫.૫૨ લાખ રૂપિયાના દારૂના જથ્થા સાથે ધરપકડ કરી હતી. એસએમસીની ટીમે મોડી રાતે દિલધડક ઓપરેશન પાર પાડીને દારૂનો જથ્થો ઝડપી પાડતાં સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલ ઊભા થયા હતા. એસએમસીએ રેડ કરીને માધવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે ત્યારે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ પણ એક્શન મોડ પર આવી ગયા હતા.

પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે માધવપુરાના પીઆઇ જી.આર.ગઢવીની સ્પેશિયલ બ્રાંચમાં બદલી કરી દીધી હતી અને તેમની જગ્યાએ આઇ.એમ.ધાસુરાને માધવપુરા પોલીસ સ્ટેશનનો હવાલો આપ્યો હતો. આઇ.એમ.ધાસુરાએ ચાર્જ સંભાળ્યો ત્યારે એસએમસીની ટીમ ફરીથી માધવપુરા પોલીસ સ્ટેશનના હદમાં ત્રાટકી હતી. એસએમસીને બાતમી મળી હતી કે, માધવપુરા વિસ્તારમાં આવેલા સિટી સેન્ટરમાં વરલી મટકાનો જુગાર ચાલે છે. બાતમીના આધારે એસએમસીની ટીમે રેડ કરી હતી અને બે રાઇટર સહિત ૧૦ લોકોની ધરપકડ કરી હતી. માધવપુરા પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને મુખ્ય સૂત્રધારને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

(10:35 pm IST)