Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

29 તારીખે ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે:, 30 તારીખ બાદ વાતાવરણમાં સુધારો થશે તેમજ 30 તારીખ બાદ રાજ્યમાં ઠંડીનુ પ્રમાણ વધશે: હવામાન નિષ્ણાંત અંકિત પટેલ

જીરાનો પાક કમોસમી વારસાદ/ માવઠા તેમજ વાદળછાયા અને ભેજવાળા હવામાન પ્રત્યે ખુબ જ સંવેદનશીલ હોય, ચરમી (કાળીયો)ના રોગથી પ્રભાવિત થઈ શકે છે

અમદાવાદ: ગુજરાતમાં હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે ફરી આગાહી કરી છે. તેમજ હવામાનના નિષ્ણાંત અંકિત પટેલે પણ કમોસમી વરસાદની આગાહી કરી છે. અંકિત પટેલે 29 તારીખે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. 

હવામાન નિષ્ણાંત અંકિત પટેલનુ નિવેદન

ભર શિયાળે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.  હવામાન નિષ્ણાંત અંકિત પટેલ હવામાને લઈ આગાહી કરતા જણાવ્યું છે કે,  હાલ વેસ્ટર્ન ડિર્ટર્બન્સ સક્રિય છે જેથી રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ થશે. તેમણે જણાવ્યું કે, 29 તારીખે ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. તેમણે ઉમેર્યું કે, 30 તારીખ બાદ વાતાવરણમાં સુધારો થશે તેમજ 30 તારીખ બાદ રાજ્યમાં ઠંડીનુ પ્રમાણ વધશે.

હવામાન વિભાગની આગાહી

કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગે ફરી એક મોટી આગાહી છે. ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતાઓ છે. ભાવનગર, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, બોટાદ,વડોદરા અને ભરૂચમાં વરસાદની આગાહી છે. એકથી બે દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેમજ અમદાવાદમાં પણ વરસાદની આગાહી છે. પૂર્વીયથી દક્ષિણ પૂર્વીય પવનના કારણે હળવા વરસાદની ફરી આગાહી કરવામાં આવી છે.

કમોસમી વરસાદને લઈ  જીરાના પાકને લઈ આટલી કાળજી રાખવી

જીરાનો પાક કમોસમી વારસાદ/ માવઠા તેમજ વાદળછાયા અને ભેજવાળા હવામાન પ્રત્યે ખુબ જ સંવેદનશીલ હોય, ચરમી (કાળીયો)ના રોગથી પ્રભાવિત થઈ શકે છે. જીરૂના પાકને આ રોગથી બચાવવા આવા સમયે પિયત અને ખાતર આપવાનુ ટાળવું જોઇએ તથા રોગની રાહ જોયા સિવાય મેન્કોઝેબ 75% વેટેબલ પાવડર 30 ગ્રામ તથા 25 મિલિ તેલીયા સાબુનું સંતૃપ્ત દ્રાવણ 10 લીટર પાણીમાં ભેળવીને છોડ પૂરેપૂરો ભીંજાય એ રીતે છંટકાવ કરવો. વરસાદ પડ્યા બાદ છંટકાવ કરવો અતિ આવશ્યક છે.

જુઓ કયા શહેરમાં કેટલું નોંધાયું તાપમાન

આજે નલિયામાં 4.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે કેશોદમાં 8.4 ડિગ્રી, રાજકોટમાં 9.4 ડિગ્રી અને અમદાવાદમાં 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતમાં ઠંડીના માહોલ વચ્ચે હવે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. મહત્વનું છે કે, ગઈકાલે મોડી રાત્રે વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. મોડી રાત્રે ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. વડોદરાના સાવલી પંથકમાં ગતરાત્રીએ માવઠું પડ્યું હતું. કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

સુરતમાં કમોસમી વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ સુરત ગ્રામ્ય વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. મહત્વનું છે કે, મોડીરાત્રે સુરત ગ્રામ્યમાં અલગ-અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. આ તરફ કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

પંચમહાલના અંતરિયાળ વિસ્તારોમાં કમોસમી વરસાદ

પંચમહાલ જિલ્લામાં ભરશિયાળે ચોમાસા જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેને લઈ અંતરિયાળ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. મહત્વનું છે કે, કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ પડતાં જગતનો તાત ચિંતિત બન્યો છે. જેને લઈ હવે શિયાળુ પાક અને સૂકા ઘાસચારામાં ભારે નુકશાનની શક્યતા છે. આ સાથે ધરતીપુત્રોને પાક નિષ્ફળ જવાની ભીતિ સતાવી રહી છે.

ભાવનગરમાં કમોસમી વરસાદ

આ તરફ ભાવનગર શહેરમાં હળવુ ઝાપટું પડ્યું છે. મહત્વનું છે કે, કમોસમી વરસાદની આગાહીની ભાવનગરમાં અસર થઈ છે. જેને લઈ આજે વહેલી સવારે વરસાદના ઝાપટા બાદ ધુમ્મસભર્યુ વાતાવરણ સર્જાયું હતું. આ તરફ વરસાદને કારણે શિયાળુ પાકને નુકસાનની ભીતિની સ્થિતિ સર્જાઇ છે.

આણંદ જિલ્લામાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદ

આ તરફ આણંદ જિલ્લામાં કડકડતી ઠંડી વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. કમોસમી વરસાદ પડતાં ધરતીપુત્રોની ચિંતા વધી છે. જોકે કમોસમી વરસાદને લઈ તમાકુ, ડાંગર, બાજરી અને લીલા શાકભાજીના પાકને નુકસાનની ભીતિ સર્જાઇ છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનું જોર યથાવત છે.

(7:51 pm IST)