Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

કમોસમી વરસાદે તમામ લોકોના આયોજન પર પાણી ફેરવી નાંખ્યું: અમદાવાદમાં અચાનક આવેલા માવઠાએ લગ્નની મજા બગાડી

કમોસમી વરસાદ થવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે જ્યારે કેટલાક લોકોના લગ્ન પ્રસંગો ખરાબ થતા જોવા મળી રહ્યા છે

અમદાવાદ: રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે હાલ ઘણા બધા શહેરોમાં કમોસમી વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી માવઠું થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. કમોસમી વરસાદ થવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જ્યારે કેટલાક લોકોના લગ્ન પ્રસંગો ખરાબ થતા જોવા મળી રહ્યા છે.

રાજ્યમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. વરસાદને લઇને ખેડૂતો ચિંતિત બન્યા છે. જ્યારે વરસાદના પગલે લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદના પગલે કેટલાક લોકોના લગ્ન પણ અટવાતા જોવા મળી રહ્યા છે. હાલ લગ્નની સીઝન ચાલતી હોવાથી દિવસ દરમિયાન અનક જગ્યાઓ પર લગ્નના માંડવા બંધાયા છે. જો કે, કમોસમી વરસાદે તમામ લોકોના આયોજન પર પાણી ફેરવી નાંખ્યું હોય તેમ જોવા મળી રહ્યું છે. જેનો એક વિડીયો સામે આવ્યો છે.

વિડીયોમાં જોઈ શકાય છે કે,એક લગ્નપ્રસંગમાં જમણવાર ચાલી રહ્યો છે. જો કે, જમણવાર દરમિયાન એકાએક કમોસમી માવઠું વરસતા લોકો જમવાની પ્લેટ લઈને દોડતા જોવા મળી રહ્યા છે. મંડપ કાપડનો બાંધ્યો હોવાથી મંડપમાંથી પાણી નીચે ઉતરતું હોવાથી બાળકોથી લઈને મોટા લોકો જમવાની પ્લેટ લઈને વરસાદથી બચવા માટે ભાગતા જોવા મળી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ,વડોદરા, સાવલી જેવા કેટલાક વિસ્તારો અને શહેરોમાં હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રી દ્વારા કરવામાં આવેલી આગાહી સાચી સાબિત થતી જોવા મળી રહી છે. જેને લઈ આજે વહેલી સવારથી અમદાવાદ, વડોદરા અને સાવલી સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે. જેને લઈ ખેડૂતો ચિંતામાં મૂકાતા જોવા મળી રહ્યા છે.

 

(7:03 pm IST)