Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

મહામાં અષાઢી માહોલ : ઠેરઠેર માવઠુ : ખેડૂતો ચિંતાતુર

સુરત - ભાવનગર - ભરૂચ - વડોદરા - પંચમહાલ સહિતના વિસ્‍તારોમાં મોડી રાત્રે - સવારે વરસાદ : વાદળછાયુ વાતાવરણ : ભરશિયાળે વરસાદથી ઉભા પાક જેવા બાજરી - ડાંગરના પાકને નુકસાનીનો ભય : કાતિલ ઠંડી પણ રાજ્‍યમાં યથાવત

રાજકોટ તા. ૨૮: ભર શિયાળે અષાઢી માહોલ છવાયો છે. રાજ્‍યના અનેક વિસ્‍તારોમાં ગઇકાલે મોડી રાતે અને આજે સવારે વરસાદ વરસતા ઠંડી વધી છે, એટલુ જ નહીં વરસાદને કારણે ખેડૂતોના શ્વાસ અદ્ધર થઇ ગયા છે. ઉભા પાકને નુકશાન થવાનો ભય ઉભો થયો છે.

રાજ્‍યના સુરત, ભાવનગર, ભરૂચ, વડોદરા, પંચમહાલ સહિતના વિસ્‍તારોમાં ભર શિયાળે વરસાદ વરસ્‍યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. શિયાળામાં વરસાદ વરસતા ઉભા પાક જેમ કે, બાજરી, ડાંગર વગેરેને નુકશાન થવાનો ભય ઉભો થયો છે. રાજ્‍યના અનેક વિસ્‍તારોમાં આજે વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે અને ઠંડીમાં પણ વધારો થયો છે.

અમારા ભાવનગરના પ્રતિનિધી વિપુલ હિરાણી ઉમેરે છે કે,  ગોહિલવાડ પંથકમાં આજે સવારે પાંચ વાગ્‍યે એકાએક વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ થયો હતો.

ᅠકમોસમી વરસાદ થી ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઈ જવા પામી છે. જયારે લગ્ન પ્રસંગને કારણે ખુલ્લા પ્‍લોટ અને પાર્ટી પ્‍લોટમાં લગ્નના આયોજકો ચિંતામાં મુકાયા છે. ભાવનગર શહેરમાં આજે વહેલી સવારના પાંચ વાગ્‍યે કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્‍યો હતો અને રસ્‍તાઓમાં પાણી ફરી વળ્‍યા હતા. ઠંડીને કારણેᅠજયારે લોકો મીઠી નીંદરમાં સુતા હતા ત્‍યારે વીજળીના કડાકા ભડાકા અને વરસાદથી લોકો સફાળા જાગી ગયા હતા.

કમોસમી વરસાદને કારણે મકાઈ, કપાસ સહિતના પાકોમાં નુકસાનની ભીતિથી ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઈ જવા પામી છે. જયારે લગ્નની સિઝન પૂર જોશમાં હોય ખુલ્લા મેદાનમાં અને પાર્ટી પ્‍લોટમાં યોજાયેલા લગ્ન સમારંભોમાં પણ કમોસમી વરસાદથી નુકસાન થવા પામ્‍યું છે.

 

(11:29 am IST)