Gujarati News

Gujarati News

News of Sunday, 27th November 2022

થાનગઢમાં સ્મૃતિ ઈરાની સભા પહેલાં જ મહિલાઓનો હોબાળો :સભાસ્થળે મોંઘવારી મુદ્દે ઉગ્ર દેખાવો કરાયા

પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી પણ હાજર :ઘટના બાદ સભામાં અફડાતફડીનો માહોલ:ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

અમદાવાદ :રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકો ગુજરાતના ગામડે ગામડે સભાઓ ગજવી રહ્યા છે. વડાપ્રધાન મોદી દક્ષિણમાં તો કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સૌરાષ્ટ્રની બેઠકો કબ્જે કરવા મેદાનમાં છે. ત્યારે સુરેન્દ્રનગરના થાનગઢમાં સ્મૃતિ ઈરાની સભા પહેલાં જ સભાસ્થળે મહિલાઓએ મોંઘવારી મુદ્દે ઉગ્ર દેખાવો કરતા પોલીસ દોડતી થઇ હતી અને વિરોધ કરેલી મહિલાઓને માંડ માંડ હટાવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ વિધાનસભા સીટ પર હાલ ચૂંટણી પ્રચારનો માહોલ એની ચરમસીમાએ છે. સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ, ચોટીલા, દસાડા, લીંબડી અને ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભા સીટ પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો છે. સુરેન્દ્રનગરના થાનગઢમાં સ્મૃતિ ઈરાનીની સભા પહેલા મહિલાઓએ હોબાળો બોલાવી દેખાવો કર્યો હતો. આ સભામાં ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી પણ હાજર હતા. આ ઘટના બાદ સભામાં અફડાતફડીનો માહોલ સર્જાતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાની ચોટીલા વિધાનસભા સીટ પર ભાજપના શામજી ચૌહાણ, કોંગ્રેસની વર્તમાન ધારાસભ્ય રૂત્વિક મકવાણા અને આમ આદમી પાર્ટીના રાજુ કરપડા વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો છે. વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં હોઈ રસાકસીનો જંગ છે. ચોટીલામાં રાજુ કરપડા, ઋત્વિક મકવાણા અને શામજી ચૌહાણ મેદાનમાં છે. પરંતુ કોને કેટલા મત મળશે તે અંગે અનુમાન કરવું મુશ્કેલ લાગી રહ્યું છે.

(9:42 pm IST)