Gujarati News

Gujarati News

News of Sunday, 27th November 2022

108 કર્મીઓની પ્રમાણિકતાનું વધુ એક ઉદાહરણ :ઇજાગ્રસ્તને સારવાર અપાવી દોઢ લાખ જેવી માતબર રકમ પરત આપી

વાપીનો આઇસર ટેમ્પા ચાલક અંકલેશ્વરમાં ટ્રક સાથે અકસ્માત નડતા બેભાન થયો હતો: પરિવારને કોલ કરી 108 ના બે કર્મીઓએ રોકડા અને મોબાઈલ પરત કર્યો

વાપી :ઇમરજન્સી 108 સેવાના કર્મીઓ નિષ્ઠાની અવાર-નવાર મિશાલ પૂરી પાડતાં હોય છે. 108 ની સેવા આકસ્મિક સમયમાં પ્રાણરક્ષક બનીને સેંકડો લોકોના જીવ બચાવવાં માટે ખ્યાત છે અને તેની સેવાથી પ્રજાના હ્યદયમાં પણ આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમની આ અપ્રતિમ સેવાના મૂળમાં તેના કર્મચારીઓની કર્તવ્ય પરાયણતા છે. તેના કર્મચારીઓની આવી કર્તવ્ય પરાયણતા અને નિષ્ઠાનો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ભરૂચ જિલ્લાની ગડખોલની 108 સ્ટાફે રૂા. 1.50 લાખ જેવી માતબર રકમ ઇજાગ્રસ્તને સાભાર પરત ઇમાનદારીનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.

108 ની આકસ્મિક સેવા માત્ર જીવન જ નથી બચાવતી, જીવન જીવવાનાં પાઠ પણ શીખવાડે છે. જીવનમાં જે મૂ્લ્યોની આજે સમાજને જરૂર છે તેવાં મૂલ્યો આવી સેવા દ્વારા 108 ની ટીમ પૂરાં પાડી રહી છે. આ કળીયુગમાં અનેક ઈમાનદારી ડગાવે તેવી અનેક કિસ્સાઓ સામે આવતાં હોય છે. પરંતુ પોતાની ઈમાનદારીને ડગાવ્યાં વગર ફરજ ઉપર પ્રમાણિકપણું દાખવવાના જૂજ કિસ્સાઓ સામે આવે છે. આવો જ એક કિસ્સો ભરૂચ જિલ્લાની ગડખોલની 108 ઇમરજન્સી ટીમ સામે ગઈકાલ બપોરે 2 વાગ્યે આવ્યો હતો. જેમાં વાપી જિલ્લાના ધંધાદારી યુવાનને નિલેશ બ્રિજ, અંકલેશ્વર પાસે આઈસર અને ટ્રક વચ્ચે ના અકસ્માત નડતાં યુવક બેભાન થઇ ગયો હતો.

અકસ્માતની ઘટનાની જાણ ભરૂચ જિલ્લાની ગડખોલની 108 ને થતાં તે મદદ માટે તુરંત સ્થળ પર પહોંચી હતી. સ્થળ ઉપર પહોંચી તપાસ કરતાં ઇ.એમ.ટી પિયુષ ચૌહાણ અને પાયલોટ જયદીપભ મુનીયાને આઈસરના ડ્રાઇવર યુવાન બેભાન થયેલો જણાયો હતો. વધુ તપાસ કરતાં આઈસરમાંથી દોઢ લાખ જેવી મોટી રકમ તેમજ એક મોબાઈલ મળી આવ્યાં હતાં. આટલી મોટી રકમ નજર સામે આવતા કોઈપણ વ્યક્તિનું ઈમાન એક વાર ડગતાં વાર ન લાગે પણ જી.વી.કે. ઇ.એમ.આર.આઈ.ના 108 ઇમરજન્સી સેવાના બંને કર્મચારીઓની ઈમાનદારી ટસની મસ ન થઈ.

તેઓ બેભાન આઈસર ડ્રાઈવર યુવાન મુસ્તુફ પૂવારને તાત્કાલિક સારવાર માટે ગડખોલની હોસ્પિટલમાં લઈ ગયાં હતાં. અહીં દવાખાના ઉપર જ યુવકના પરિવારજનોનો વાપી સંપર્ક સાધીને તેમને યુવક પાસેથી મળેલ દોઢ લાખ રોકડ રકમ તેમજ તેમની ચીજવસ્તુઓ પરત કરી એક ઉમદા ઉદાહરણ અને પ્રમાણિકતાની મિશાલ પૂરી પાડી હતી. 108 ના જિલ્લા અધિકારી ચેતન ગાધે તેમજ ઉપરી અધિકારીઓએ બંને કર્મચારીઓની પ્રમાણિકતાને બિરદાવી હતી.

(8:55 pm IST)