Gujarati News

Gujarati News

News of Sunday, 27th November 2022

ભાજપને આપનો ડર લાગી રહ્યો છે, જ્યારે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યુ કે, કોંગ્રેસની વોટ બેન્ક શોધતા પણ મળતી નથી: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદ યોજી

કેટલાક લોકો કહે છે કે રાજનીતિમાં મારી ભવિષ્યવાણી સાચી પડે છે. 2014માં દિલ્હીમાં ચૂંટણી યોજાઇ હતી ત્યારે મે એક પત્રકારને લખીને આપ્યુ હતુ કે કોંગ્રેસની આ વખતે 0 સીટ આવશે, કોઇએ વિશ્વાસ નહતો કર્યો કે તે ચૂંટણીમાં કોંગ્રેસની 0 સીટ આવશે: અરવિંદ કેજરીવાલ

ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદ યોજી હતી અને આ દરમિયાન ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. કેજરીવાલે કહ્યુ કે, ભાજપને આપનો ડર લાગી રહ્યો છે, જ્યારે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યુ કે, કોંગ્રેસની વોટ બેન્ક શોધતા પણ મળતી નથી. આ દરમિયાન કેજરીવાલે કેટલીક ભવિષ્યવાણી પણ કરી હતી.

કેજરીવાલે પત્રકાર પરિષદ કરીને કહ્યુ કે,” પ્રથમ વખત એવો સ્ટેટ જોવા મળે છે જ્યા આમ આદમી એમ કહેતા જોવા મળે છે કે હું કોણે મત આપી રહ્યો છું. મે ભાજપ ના કહ્યુ તો તે લોકો મારશે. આમ આદમી ડરેલો છે. કોંગ્રેસનો વોટર શોધવા પર પણ નથી મળતો. એક એડ આવે છે કે ઢુંઢતે રહ જાઓગે. ભાજપનો વોટર આમ આદમી પાર્ટીને વોટ આપવા જઇ રહ્યો છે. આખુ ગુજરાત બદલાવ માંગી રહ્યો છે.”

અરવિંદ કેજરીવાલે ભવિષ્યવાણી કરતા કહ્યુ કે, “કેટલાક લોકો કહે છે કે રાજનીતિમાં મારી ભવિષ્યવાણી સાચી પડે છે. 2014માં દિલ્હીમાં ચૂંટણી યોજાઇ હતી ત્યારે મે એક પત્રકારને લખીને આપ્યુ હતુ કે કોંગ્રેસની આ વખતે 0 સીટ આવશે.કોઇએ વિશ્વાસ નહતો કર્યો કે તે ચૂંટણીમાં કોંગ્રેસની 0 સીટ આવશે. પંજાબની ચૂંટણીમાં પણ મે કેટલીક ભવિષ્યવાણીઓ કરી હતી. મે કહ્યુ હતુ નવજોત સિંહ સિદ્ધૂ હારશે, ચન્ની સાહેબ બન્ને બેઠક પરથી હારશે, તમારો આખો પરિવાર હારશે. આજે હું બધાની સામે લખીને ભવિષ્યવાણી કરવા જઇ રહ્યો છું. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે.” આ ભવિષ્યવાણી તમે નોંધી લો, આ ભવિષ્યવાણી પણ સાચી પડશે. 27 વર્ષના શાસન પછી ગુજરાતના લોકોને રાહત મળશે.”

કેજરીવાલે સરકારી કર્મચારીઓને લઇને પણ એક જાહેરાત કરી હતી. કેજરીવાલે કહ્યુ કે, ગુજરાતના જેટલા સરકારી કર્મચારી છે તે બધા લોકોને હું આશ્વાસન આપવા માંગુ છુ કે મહિના-બે મહિના પહેલા ગાંધીનગરમાં ગજબનો નજારો જોવા મળ્યો જ્યારે હજારો ગુજરાત સરકારના કર્મચારી રસ્તા પર ઉતરી આવ્યા અને તેમણે આખુ સચિવાલય ઘેરી લીધુ, આવો નજારો ગુજરાતની અંદર ક્યારેય જોવા મળ્યો નહતો, તેમની એક જ ડિમાન્ડ હતી ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવે. હું ગુજરાતના તમામ કર્મચારીઓને કહેવા માંગુ છુ કે અમારી સરકાર બનશે તો 31 જાન્યુઆરી સુધી ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવાનું નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવશે. હું હવામાં વાતો નથી કરતો, પંજાબમાં ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરી દેવામાં આવી છે.

(2:45 pm IST)