Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

50 થી ઓછા કામદારો માટે કોઈપણ પ્રકારની કોન્ટ્રાક્ટ ફી ભરવાની થતી નથી : લાયસન્સની માન્યતા હવે ફોર્મ-V માં દર્શાવેલા સમયગાળા સુધી અમલમાં રહેશે : લાયસન્સને રીન્યુ કરાવવું, રજિસ્ટ્રેશન અથવા લાયસન્સનું ડુપ્લિકેટ સર્ટિફિકેટ કરાવવું તેમજ રજિસ્ટ્રેશન અને લાયસન્સનું કામચલાઉ સર્ટિફિકેટ કરાવવાની પણ જરૂર રહેતી નથી : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ અંતર્ગત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ : રાજ્ય સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ લેબર અને ઇન્ટર-સ્ટેટ માઇગ્રન્ટ વર્કમેન ઍક્ટમાં સુધારાઓ કરાયા

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં ઉદ્યોગોને આકર્ષિત કરવા અને વધારે પ્રમાણમાં રોજગારીની તકો ઉભી કરવાના હેતુથી કોવિડ-19 મહામારીની સ્થિતિમાં મોટાભાગના શ્રમ કાયદાઓમાંથી મુક્તિની જાહેરાત કરી છે.

કોરોનાની મહામારીને પરિણામે મુશ્કેલીમાં મુકાયેલા ઉદ્યોગોને મદદ કરવાના હેતુથી રાજ્ય સરકારે 26 નવેમ્બર 2020 ના રોજ જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ લેબર (નિયમન અને નાબૂદી અધિનિયમ, 1970) અને ઇન્ટર-સ્ટેટ માઇગ્રન્ટ વર્કમેન (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસિસ) ઍક્ટ, 1979 માં કેટલાક સુધારાઓ કરવામાં આવ્યા છે. 

શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી વિપુલ મિત્રાએ જણાવ્યું કે, કોરોનાને લીધે ઊભી થયેલી વર્તમાન સ્થિતિ પહોંચી વળવાના હેતુસર ઉદ્યોગોને મદદ કરવા તેમજ નવીન રોકાણને આકર્ષવા માટે રાજ્ય સરકારે શ્રમ કાયદાઓમાં અનેક રાહતોની જાહેરાત કરી છે અને હવે કેટલાંક વધુ સુધારાઓ પણ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય કેટલાક સુધારાઓ કરવા અંગે વિચારણા ચાલી રહી છે.

જાહેરનામામાં સૂચવ્યા મુજબ, કોન્ટ્રાક્ટ લેબર (નિયમન અને નાબૂદી અધિનિયમ) (ગુજરાત) નિયમ, 1972 માં નિયમો 24,26,27 માં ફેરફાર કરવામાં આવ્યો છે, કે 50 થી ઓછા કામદારો માટે કોઈપણ પ્રકારની કોન્ટ્રાક્ટ ફી ભરવાની થતી નથી.

નિયમ 27માં કરવામાં આવેલા સુધારા પ્રમાણે, નિયમ 25 અંતર્ગત લાયસન્સની માન્યતા હવે ફોર્મ-V માં દર્શાવેલા સમયગાળા સુધી અમલમાં રહેશે, જે આ નોટિફિકેશન પહેલા માત્ર બાર મહિના સુધી જ અમલમાં રહેતી હતી. નિયમ 29, 30 અને 32 ને નાબૂદ કરવામાં આવશે. આ નિયમો લાયસન્સને રીન્યુ કરાવવું, રજિસ્ટ્રેશન અથવા લાયસન્સનું ડુપ્લિકેટ સર્ટિફિકેટ કરાવવું તેમજ રજિસ્ટ્રેશન અને લાયસન્સનું કામચલાઉ સર્ટિફિકેટ કરાવવું, તે અંગેના હતા, જેની હવે જરૂર રહેતી નથી. 

શ્રી વિપુલ મિત્રાએ જણાવ્યું હતું, કે "આ સુધારાને કારણે એમ્પ્લોયર્સને લાંબા સમય સુધી કામ કરવા માટે ફક્ત એક જ વખત રજીસ્ટ્રેશન અને લાયસન્સ લેવાની ફ્લેક્સિબિલિટી મળશે અને રીન્યુઅલ પ્રક્રિયા માટે તેમને દર વર્ષે શ્રમ વિભાગની ઓફિસના ધક્કા નહીં ખાવા પડે.” 

આ જ પ્રકારે, અન્ય એક નોટિફિકેશન દ્વારા ઇન્ટર-સ્ટેટ માઇગ્રન્ટ વર્કમેન (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસિસ) (ગુજરાત) રૂલ્સમાં સુધારા કરવામાં આવ્યા છે. જેમાં નિયમ 14 અને 15 ને નાબૂદ કરવામાં આવ્યા છે, જે લાયસન્સને રિન્યુ કરાવવા સંબંધિત હતા. 

 “કોવિડ -19 મહામારીની ઉદ્યોગો પર વિપરીત અસર પડી છે, જેના કારણે આર્થિક વિકાસ પર પણ અસર પડી છે.  રાજ્યના અર્થતંત્રને ફરીથી પાટા પર લાવવા માટે રાજ્ય સરકાર જરૂરી સુવિધાઓ પૂરી પાડીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનો પ્રયાસ કરી રહી છે. ઉદ્યોગોને અનુકૂળ નીતિઓ, ઝડપી નિર્ણયો લેવા અને કૌશલ્યપૂર્ણ માનવશક્તિની ઉપલબ્ધતા સાથે સંલગ્ન શ્રમ કાયદામાં કરવામાં આવેલા આ સુધારાઓ ગુજરાતમાં નવા ઉદ્યોગોને આકર્ષવામાં મદદરૂપ બનશે. જો કે, અમે એ સુનિશ્ચિત કર્યું છે કે કામદારોના હિતો પણ સુરક્ષિત રહે.” તેમ શ્રી વિપુલ મિત્રાએ ઉમેર્યું હતું. 

વિપુલ મિત્રાએ કહ્યું કે, “અમને વિશ્વાસ છે કે આ પગલાંઓથી ગુજરાતમાં વ્યવસાય કરવાનું વધુ સરળ બનશે.”

(4:32 pm IST)