Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

અમદાવાદમાં સરકારે પાંચ બેડથી વધુ ક્ષમતા ધરાવતા દવાખાનાને કોવિડ સારવારની મંજૂરી આપવી જોઇએ

અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશને અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવ ગુપ્તાને પત્ર લખી રજૂઆત કરી

અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશને  અદાવાદમાં કોવિડ મેનેજમેન્ટ માટે નિયુક્ત કરાયેલા અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવ ગુપ્તાને પત્ર લખી રજૂઆત કરી છે કે લોકોની બેદરકારીના કારણે દીવાળી પછી કોરોનાનું સંક્રમણ ભયજનક રીતે વધ્યું છે, અને સંક્રમણ હજુ પણ વધવાની શક્યતા છે. તેથી સરકારે પાંચ બેડથી વધુ ક્ષમતા ધરાવતા દવાખાનાઓને પણ કોવિડ સારવારની મંજૂરી આપવી જોઇએ, આ ઉપરાંત અન્ય નિયમો અને પ્રતિબંધોમાંથી રાહત આપવાની માગણી પણ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે.

એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે હજુ પણ સંક્રમણ વધવાની શક્યતા છે, આ સયમમાં સરકારે પ્રતિબંધો લાદવાની જગ્યાએ હોસ્પિટલો અને નર્સિંગ હોમને સક્ષમ બનાવવા જોઇએ. જેથી પાંચથી વધુ બેડ ધરાવતા અને માન્ય સી ફોર્મ ધરાવતા દવાખાનાઓને કોરોનાની સારવાર કરવાની મંજૂરી આપવી જોઇએ. જેની સામે આ દવાખાનાઓ અરજી દ્વારા બાયધરી આપશે કે હાઇકોર્ટ દ્વારા નક્કી કરવામાં દર તેમજ એસોસિએશન દ્વારા નક્કી કરવામાં આવેલા પેકેજ પ્રમાણે તેઓ સારવાર કરશે, દર્દીઓને ડેટા મ્યુનિસિપલ કોર્પોરેશનને આપતા રહેશે અને ક્લિનિકલ પ્રોટોકોલનું અનુસરણ કરશે. આ ઉપરાંત ૧૦૦થી વધુ બેડ ધરાવતી હોસ્પિટલ આ ક્લસ્ટર કે વિસ્તારની મધર હોસ્પિટલ તરીકે કાર્યરત રહેશે.

આ ઉપરાંત માગણી કરવામાં આવી છે કે દરેક મલ્ટિસ્પેશિયાલિટી અને મોટી હોસ્પિટલોને આદેશ આપવામાં આવે કે તેેઓ કુલ ક્ષમતાના ૨૦ ટકા બેડ કોવિડ સારવાર માટે અલગ રાખે. આ ઉપરાંત એસોસિએશને માગણી કરી છે કે પશ્ચિમ અમદાવાદના મોટાભાગના દર્દીઓ સદ્ધર છે તેથી ખાનગી હોસ્પિટલોમાં જે બેડનો ખર્ચ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉઠાવે છે તે બેડ હટાવવા જોઇએ. જેમને સારવાર પરવડે તેમ નથી તેવાં દર્દીઓ ઓછાં છે, તેમની સારવાર સરકારી હોસ્પિટલમાં થઇ શકે છે. આજની તારીખે ખાનગી હોસ્પિટલોમાં કોર્પોરેશનના ૩૦૦ બેડ ખાલી છે અને સ્વખર્ચે સારવાર કરાવવા માગતા દર્દીઓને ખાલી બેડ શોધવા પડે છે. તેથી ખાનગી હોસ્પિટલોમાં સ્વખર્ચે સારવાર માટેના બેડ જ રાખવા માગણી કરવામાં આવી છે.

(12:37 pm IST)