Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

અમદાવાદના રામોલ હાથીજણ વોર્ડના રહીશોએ તંત્રને ઢંઢોળવા રસ્તા પર આવવું પડ્યું

પ્રાથમિક સુવિધાના કોઈ કામો ન થતા રાધેશ્યામ સોસાયટી ના લોકોએ વોર્ડ ઓફીસ પર દેખાવો કરવા પડ્યા : આખરે કમિશનરે પ્રશ્ન ઉકેલની ખાતરી આપી

અમદાવાદ: શહેરના રામોલ-હાથીજણ વોર્ડ ના રાધેશ્યામ હાઉસિંગ સોસાયટીના રહેવાસીઓએ પ્રાથમિક સુવિધાઓના અભાવની સમસ્યાને લઇને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની હાથીજણ વોર્ડ ઓફીસ પર હલ્લાંબોલ કાર્યક્રમ કર્યો હતો અને વોર્ડ ઓફિસનો ઘેરાવ કરીને દેખાવો કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા. જો કે મ્યુનિ. કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર દિનેશ પટેલે પ્રશ્નો અંગે તપાસ કરીને યોગ્ય દિશામાં ઉકેલ લાવવાની બાહેંધરી આપી હતી. તેની સાથે સ્થાનિક આગેવાનોને પ્રશ્નનો કયારે ઉકેલ આવશે તે અંગે મંગળવારે ચોક્કસ સમય જણાવશે તેમ જણાવ્યું હતું. આસિસ્ટન્ટ કમિશનરના જવાબથી સંતોષ માનીને સ્થાનિક રહીશો વિખેરાયા હતા.

અમદાવાદ શહેરના રામોલ હાથીજણ વોર્ડમાં આવેલ રાધેશ્યામ હાઉસિંગ સોસાયટીમાં 400 મકાનો આવેલા છે. મકાનોમાં વસવાટ કરતાં અંદાજે બે હજારથી વધુ રહીશો છેલ્લા 10 વર્ષોથી ગટર, રોડ-રસ્તા, ચોખ્ખું પીવાનું પાણી વગેરે જેવી પ્રાથમિક સુવિધાઓથી ત્રસ્ત થઇ ચૂકયા છે. અંગે અનેક વખત સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યોથી લઇને કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆત કરી છે. છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગમ્ય કારણસર આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. જેને ધ્યાને લઇને આજે એટલે મંગળવારે રાધેશ્યામ હાઉસિંગ સોસાયટીના 200થી વધુ રહેવાસીઓ સોસાયટીમાં રોડ-રસ્તા, ગટર સુવિધા, સ્ટ્રીટ લાઈટ, જર્જરિત પાણીની ટાંકી મરામત કરવામાં આવે અને પોતાની સોસાયટીમાં નર્મદાના નીર આપવામાં આવે તેવી માગણી સાથે રામોલ હાથીજણ વોર્ડ ઓફીસનો ઘેરાવો કર્યો હતો.

 “વિસ્તારની સમસ્યાઓ બાબતે વારંવાર સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્ય સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ સમક્ષ રજુઆતો કરવામાં આવી છે પરંતુ સ્માર્ટસિટીની વાતો કરનારી સંવેદનશીલ સરકાર રાધેશ્યામ હાઉસિંગ સોસાયટી સાથે જાણે ઓરમાયું વર્તન કરતી હોય એમ માનવ જીવન માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત રાખી અન્યાય કરી રહી છે.”

તેમણે વધુમાં જણાવ્યું છે કે, પાણીની ટાંકી જર્જરિત હાલતમાં મૂકાયેલી છે. ગમે તે ઘડીએ તૂટી જાય તેમ છે. ઘણી વખત સ્થાનિક રહીશોને ટેન્કરથી પાણી મંગાવવું પડે છે. વસાહતમાં શ્રમજીવી પરિવારના લોકો રહે છે. તેમને અવારનવાર ટેન્કર મંગાવવું પરવડે તેમ નથી. તેમ વસાહતમાં ખાળકુવા છે. વર્ષો જૂના હોવાથી તેનું આયુષ્ય પૂર્ણ થવાથી વારંવાર ઊભરાતાં હોવાથી ગંદકી ફેલાય છે. સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે.

(8:29 pm IST)