Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

યુવતીના બે લગ્ન એક હિંદુ સાથે એક મુસ્લિમ સાથે

૨૦ વર્ષની યુવતીએ પહેલા તો માતા-પિતાની જાણ બહાર પોતાના હિંદુ પ્રેમી સાથે લગ્ન કર્યા અને રજિસ્ટ્રેશન પણ કરાવ્યું : પછી થોડાક મહિના બાદ સોશિયલ મીડિયા પર મળેલા એક મુસ્લિમ યુવક સાથે ધર્મ પરિવર્તન કરીને લગ્ન કરી લીધા

અમદાવાદ,તા.૨૭: કહેવાય છે પ્રેમ આંધળો હોય છે પણ જયારે પ્રેમમાં લોકો આંધળા થઈ જાય ત્યારે ભારે કરી મૂકે છે. આવો જ એક કિસ્સો ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આવ્યો છે જેમાં એક ૨૦ વર્ષની યુવતીએ પહેલા તો માતા-પિતાની જાણ બહાર પોતાના હિંદુ પ્રેમી સાથે લગ્ન કર્યા અને રજિસ્ટ્રેશન પણ કરાવ્યું. પછી થોડાક મહિના બાદ સોશિયલ મીડિયા પર મળેલા એક મુસ્લિમ યુવક સાથે ધર્મ પરિવર્તન કરીને લગ્ન કરી લીધા. ત્યાર બાદ તે મુસ્લિમ યુવક પાસે રહેવા જતી રહેતા અહીં તેનો પ્રથમ પતિ શોધી શોધીને થાકયો અને અને કોઈ ભાળ ન મળતા તેણે હાઈકોર્ટ સમક્ષ હેબિયર કોર્પસ અરજી કરી. જેના જવાબમાં ખુદ યુવતીએ કોર્ટ સમક્ષ આવીને જણાવ્યું કે તેણે રાજીખુશીથી મુસ્લિમ યુવક સાથે બીજા લગ્ન કરી લીધા છે.

વિગત મુજબ ૩ જુલાઈ ૨૦૨૦ના રોજ લીલા નામની યુવતીએ શાહપુર મેરેજ રજિસ્ટ્રાર કચેરીમાં પોતાના પ્રેમી હિંદુ યુવક સાથે લગ્ન કર્યા હતા. યુવકે કોર્ટ સમક્ષ આ લગ્ન સર્ટિફિકેટ રજૂ કરતા કહ્યું કે લીલા તેની કાયદાકીય પત્ની છે અને લગ્ન પછી તે માતા-પિતાના ઘરે જ રહેતી હતી. પરંતુ હવે તેના માતા-પિતા તેને મોકલતા નથી અને ગેરકાયદેસર રીતે તેને ગોંધી રાખી છે. જયારે આ મામલો નારોલ પોલીસ સમક્ષ પહોંચ્યો ત્યારે કોઈ કાર્યવાહી ન થતા યુવકે હાઈકોર્ટમાં અરજી કરી હતી.

જેના અનુસંધાને હાઈકોર્ટની ખંડપીઠે નોટીસ પાઠવી લીલાને હાજર કરવા માટે આદેશ કર્યો હતો. જેમાં લીલાએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર રહીને હાઈકોર્ટ સમક્ષ દ્યટસ્ફોટ કર્યો કે પોતે સોશિયલ મીડિયા પર મળેલા વહાબ નામના મુસ્લિમ યુવક સાથે રાજીખુશીથી લગ્ન કરી લીધા છે અને ધર્મ પરિવર્તન પણ કરી લીધું છે. આ લગ્ન વિશે તેના માતા-પિતાને કોઈ ખબર નથી. આ સાથે જ લીલાએ કોર્ટને જણાવ્યું કે પોતે શહેરમાં એક કોલેજમાં બે વર્ષ સુધી ભણેલી છે અને શિક્ષિત હોવા સાથે પોતે ૨૦ વર્ષ વર્ષની હોવાથી જાણે છે કે લગ્ન નોધંણીનું શું પરિણામ થાય તેની જાણ પણ છે.

જે બાદ હાઈકોર્ટે લીલાને સમજાવ્યું હતું કે જો તે પોતાના પહેલા પતિથી છૂટાછેડા લિધા વગર કોઈ અન્ય સાથે સંબંધ બાંધે તો તેને કાયદેસરતા મળી શકે નહીં. જોકે તેણે પહેલા પતિ સાથે જવાનો ઇનકાર કરી દેતા હાઈકોર્ટે નોંધ્યું કે 'યુવતી ૨૦ વર્ષની છે અને ધર્મ પરિવર્તન કરીને તેને અન્ય યુવક સાથે લગ્ન કર્યા છે અને પોતાના પહેલા પતિ સાથેના વિવાહની ફરજનો નિર્વાહ કરવા ઇચ્છતી નથી. આ કેસમાં કોઈ વધુ આદેશ કરવાનો રહેતો નથી. આ સમગ્ર ગુંચવણ યુવતીએ જ ઉભી કરી છે અને હાલ તેના જણાવ્યા મુજબ તે ત્રીજી વ્યકિત વહાબ સાથે સુરક્ષિત છે તો આ કેસના અરજદાર પહેલા પતિ પાસે એક રસ્તો રહે છે જે મુજબ તે પોતાની પત્નીને પાછી લાવવા માટે અથવા તેની સાથેના સંબંધ પર પૂર્ણવિરામ મૂકવા માટે કાયદેસરની કાર્યવાહી કરી શકે છે.'

(11:51 am IST)