Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

રાત્રી પેટ્રોલિંગમાં પોલમપોલ ! : અમદાવાદ પોલીસ કમિશ્ર્નર ખુદ નાઈટ રાઉન્ડમાં નીકળ્યા : બેદરકારી બદલ સ્પષ્ટ ચેતવણી

વીડિયો કોન્ફરન્સ કરી તમામ અધિકારીઓને સાફ શબ્દોમાં જણાવી દીધું હતું કે, હું આ નહીં ચલાવું

અમદાવાદ: શહેરના પોલીસ જવાનો પોતાની ફરજ નિષ્ઠાથી નિભાવે છે કે નહીં તે ચેક કરવા માટે ખુદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ નાઈટ રાઉન્ડમાં નીકળ્યા હતા. પોલીસ કમિશનરના રાત્રી ચેકીંગમાં ફરજ પ્રત્યે બેદરકાર અનેક પોલીસ અધિકારી અને કર્મચારીઓની પોલમપોલ ખુલી હતી. રાત્રી ફરજ દરમિયાન ચૂક કરનાર તમામને બોલાવી પોલીસ કમિશનરે ચેતવણી આપી જવા દીધા તેમજ મામલાને ગંભીરતાથી લઈ વીડિયો કોન્ફરન્સ કરી તમામ અધિકારીઓને સાફ શબ્દોમાં જણાવી દીધું હતું કે, હું આ નહીં ચલાવું.

પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવએ શાહીબાગથી શરૂ કરી અંડરપાસ થઈ સુભાષબ્રીજ ત્યાંથી આશ્રમ રોડ, એલિસબ્રિજ, પાલડી, વાસણા, વેજલપુર થઈ સનાથલ સુધી લગભગ 20 કિલોમીટર લાંબા રૂટ પર નાઈટ રાઉન્ડ લીધો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જો કે સમગ્ર રૂટ દરમિયાન માત્ર સનાથલ ચોકડી પાસે તેઓને પોલીસની જીપ મળી હતી.જે 20 કિલોમીટર લાંબા રૂટમાં 12 પોલીસ સ્ટેશનનો વિસ્તાર આવે છે. તે રૂટમાં નાઈટ રાઉન્ડમાં માત્ર 1 જીપ મળતાં ખુદ પોલીસ કમિશનર નવાઈ પામી ગયા હતા.

આમ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં કચાશ રાખતી હોવાનું ધ્યાને આવતા તેઓએ રાત્રી ફરજ બજાવતા પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓને સવારે કમિશનર ઓફીસ બોલાવ્યા હતા. તમામ અધિકારી કર્મચારીઓને ફરજ દરમિયાન બીજીવાર ચૂક ના થાય તેવી ચેતવણી આપી જવા દીધા હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.

શહેરની સુરક્ષાની જવાબદારી જે પોલીસ પાસે છે,તે પોલીસના જવાનો પેટ્રોલિંગમાં જોવા ના મળે તે યોગ્ય ના કહેવાય તેવું પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવનું માનવું છે. આથી, તેઓએ મામલાને ગંભીરતાથી લઈ તાત્કાલિક અસરથી વીડિયો કોન્ફરન્સ યોજી કમિશનોરેટમાં આવતા તમામ ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓને આ બાબત હું નહીં ચલાવું તેમ સ્પષ્ટ જણાવી દીધું હતું. પોલીસ કમિશનરની નારાજગી જોતા હવે શહેરના જેસીપી, ડીસીપી,એસીપી અને પીઆઈ કક્ષાના અધિકારીઓએ પણ નાઈટ ચેકીંગ માટે પેટ્રોલિંગમાં નીકળવું પડે તેવી સ્થિતી પેદા થઇ છે.

(11:06 pm IST)