Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

ખંભાત તાલુકાના સાયમા ગામે પતિ-પત્ની વચ્ચે થયેલ ઝઘડામાં પતિની હત્યા થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો

આણંદ : ખંભાત તાલુકાના સાયમા ગામે ઈન્દિરા કોલોનીમાં રહેતા દંપતિ વચ્ચેના ઝઘડામાં પતિની હત્યા થઈ હોવાની આશંકાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ મામલે પત્નીનું ખંભાત ખાતે રહેતા કોઈ વ્યક્તિ સાથે પ્રેમ પ્રકરણ હોવાની બાબત પણ ચર્ચાની એરણે ચઢી છે. આ ઘટનામાં પોલીસે શંકાસ્પદ મૃત્યુ હોવા છતાં માત્ર અરજી લઈ વધુ તપાસ હાથ ન ધરતા ગ્રામજનોએ રોષ વ્યક્ત કરી પોલીસ પ્રશાસન વિરુધ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. મળતી વિગતો અનુસાર ખંભાતના સાયમા ખાતે ઈન્દિરા કોલોનીમાં સોમાભાઈ ચૌહાણ પત્ની અને બે સંતાન સાથે રહેતા હતા. સોમાભાઈ મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા. છેલ્લા એક વર્ષથી પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. જેનું કારણ પત્નીનું અન્ય વ્યક્તિ સાથે પ્રેમ પ્રકરણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગત તા.૨૦મીના રોજ રાત્રિએ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારે તેમના પંદર વર્ષીય પુત્રને પણ તેની માતાએ ઘરમાં પ્રવેશ આપ્યો ન હોવાથી પુત્ર બહાર ઊંઘી ગયો હતો. રાત્રિના ૯ કલાકની આસપાસ થયેલા ઝઘડામાં પત્નીએ પતિને માર મારતા બૂમો પણ પાડોશીઓએ સાંભળી હતી પરંતુ વારંવાર ઝઘડાને કારણે તેમજ પત્નીના અણછાજતા વર્તનને કારણે પાડોશી પણ છોડાવવા ન ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.  વહેલી સવારે પુત્રને માતાએ જાણ કરી હતી કે 'તારા પપ્પાને મેં પતાવી દીધો'. પરંતુ ફળિયાના રહીશોને કોઈ ઈસમે ઘરની બહાર કોઈએ મારી નાખ્યો છે તેમ જણાવ્યું હતું. પરિવારજનો ખંભાત શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા આવ્યા છતાં પોલીસે માત્ર જાણવાજોગ ફરિયાદ લીધી હતી. ઉપરાંત પી.એમ. કરવાની માંગણી સામે પોલીસ દ્વારા નકારાત્મક વલણ દાખવતા પરિવારજનોએ વિરોધ કર્યા બાદ સરકારી હોસ્પિટલમાં પી.એમ.ની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. 

(6:30 pm IST)