Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

બોરસદના ખેડૂત સાથે અગાઉ દોઢ લાખની છેતરપિંડી કરનાર ડોક્ટરની નવસારીથી ધરપકડ કરવામાં આવી

આણંદ : આણંદ જિલ્લાના બોરસદના ખેડૂત સાથે આજથી ચાર વર્ષ અગાઉ રૂા.૧.૧૬ કરોડની છેતરપીંડી આચરનાર ડોક્ટરને નવસારીથી બોરસદ શહેર પોલીસે ઝડપી પાડી વધુ તપાસ અર્થે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ચાર દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વસો તાલુકાના દેવાવાંટા ગામે રહેતા ડો. જયદીપસિંહ મહીડાનું ક્લીનીક ચાલતુ ન હોઈ જમીન લે-વેચ કરવાનું કામકાજ શરૂ કર્યું હતું. દરમ્યાન વર્ષ ૨૦૧૪-૧૫માં તબીબે પાવર ઓફ એટર્ની થકી એક જમીનના બોગસ દસ્તાવેજ તૈયાર કર્યા હતા. બાદમાં આ તબીબે એક ખેડૂતને જમીન વેચવાના બહાને તેની પાસેથી રૂા.૧.૧૬ કરોડ પડાવી લીધા બાદ જમીન ખેડૂતના નામે કરી ન હતી. જેથી ખેડૂતે અવારનવાર નાણાની પરત માંગણી કરતા ડોક્ટર અવનવા બહાના બનાવી નાણા પરત આપતો નહતો અને ભાગી ગયો હતો. આ બનાવ અંગે વર્ષ-૨૦૧૮માં ખેડૂતે બોરસદ શહેર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે જયદીપસિંહ વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ નાસતા ફરતા આરોપીને બોરસદ શહેર પોલીસે મળેલ ગુપ્ત બાતમીના આધારે સ્થાનિક પોલીસની મદદ લઈ નવસારીથી ઝડપી પાડયો હતો. પોલીસે ડોક્ટરની વધુ પૂછપરછ હાથ ધરતા શરૂઆતમાં તે ગોવા ખાતે રહેવા ગયો હતો. જ્યાંથી મુંબઈ ખાતે આવ્યો હતો અને બાદમાં નવસારી ખાતે આવી ટીફીન વ્યવસાયનો ધંધો શરૂ કર્યો હતો. પોલીસે વધુ તપાસ અર્થે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના ચાર દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે.

(6:29 pm IST)