Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

રિસેસમાં વિદ્યાર્થીઓ કેમ્‍પસની બહાર નહીં જઈ શકેઃ લેવા માટે આવતા વાલીઓએ પણ હવે ઓળખકાર્ડ બતાવવાનું રહેશે

અમદાવાદમાં બાળક ઉઠાવતી ગેંગ સક્રિય થયાની અફવા વચ્‍ચેઃ વિદ્યાર્થીઓના હિતમાં અનેક સ્‍કૂલ સંચાલકોએ લીધો મહત્‍વનો નિર્ણય

અમદાવાદ,તા.૨૭:બાળકોની ઉઠાવી જવાની અફવા વચ્‍ચે અમદાવાદમાં સ્‍કૂલ સંચાલકોએ મહત્‍વનો નિર્ણય લીધો છે. સ્‍કૂલ સંચાલકોએ વિદ્યાર્થીઓને રિસેસમાં કેમ્‍પસની બહાર જવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.શહેરની જુહાપુરા અને જમાલપુરની અનેક સ્‍કૂલોમાં આ પ્રકારે નિર્ણય લેવાયો છે.

મહત્‍વનું છે કે, તાજેતરમાં જ શહેરના જમાલપુરમાં બે બાળકોને ઉપાડી જવાની ઘટના ઘટી હતી. જેની દહેશત વધતા સ્‍કૂલ સંચાલકોએ આ નિર્ણય લીધો. સ્‍કૂલમાં અભ્‍યાસ કરતાં બાળકોને ફોસલાવીને ઉઠાવી જતી ગેંગ સક્રિય થઈ હોવાની વાત વાયુવેગે ફેલાઈ છે, ત્‍યારે પોતાની સ્‍કૂલના બાળકો સાથે આવી કોઇ પણ પ્રકારની અનિચ્‍છનીય ઘટના ન બને તે માટે સાવચેતીના ભાગરૂપે આ પ્રકારનો નિર્ણય લેવાયો છે. માત્ર એટલું જ નહીં કેમ્‍પસના મુખ્‍ય દ્વાર પર પણ સુરક્ષા કડક બનાવી દેવાઇ છે. સ્‍કૂલે લેવા-મૂકવા આવતા વાલીઓને પણ યોગ્‍ય ચકાસણી બાદ જ બાળકો સોંપવામાં આવશે.

જુહાપુરાની એ-વન સ્‍કૂલના સંચાલક સતર્ક થઇ જતા એ-વન સ્‍કૂલમાં કામ સિવાય મેઇન ગેટ પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. એ-વન સ્‍કૂલના ગેટ પર સિક્‍યુરિટી પણ વધારી દેવામાં આવી. વિધાર્થીઓને લેવા માટે આવતા વાલીઓએ પણ હવે ઓળખકાર્ડ બતાવવાનું રહેશે.

શહેરના દાણીલીમડા વિસ્‍તારમાં પણ તાજેતરમાં એક અજાણ્‍યા વ્‍યક્‍તિને લોકોએ બાળક ચોર સમજીને માર માર્યો હતો. તો આ જ રીતે એક મહિલાને પણ લોકોએ પકડીને પોલીસને સોંપી હતી. શહેરના માધુપુરા વિસ્‍તારમાં પણ આ જ પ્રકારની ઘટના સામે આવી હતી.ᅠ

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં બાળક ઉઠાવતી ગેંગે આતંક મચાવ્‍યો છે. ત્‍યારે બાળક ચોરની આશંકાએ લોકોએ એક વ્‍યક્‍તિને બરાબરનો મેથીપાક ચખાડ્‍યો હતો. સ્‍થાનિક લોકોએ યુવકને માર મારી આ અંગે પોલીસને પણ જાણ કરી હતી. જેને લઇને દાણીલીમડા પોલીસે આ મુદ્દે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ લોકોએ માધુપુરામાં ૨ વ્‍યક્‍તિઓને ઝડપી પોલીસને સોંપ્‍યા હતા.

વધુમાં ભરૂચમાં પણ આવી જ ઘટના સામે આવી હતી. જેમાં બાળકોના અપહરણના વહેમ રાખી મહિલાઓને માર મારવામાં આવ્‍યો હતો. સ્‍થાનિકોના ટોળાએ ભરૂચ ખ્‍ભ્‍પ્‍ઘ્‍ માર્કેટમાં ૨ મહિલાને જાહેરમાં માર માર્યો હતો. આ મારામારીની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો.

(4:24 pm IST)