Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

અમદાવાદમાં ચોમાસાની પહેલા રખડતા ઢોરોના ત્રાસથી લોકોને હાલાકી

અમદાવાદ: શહેરમાં દર ચોમાસાની જેમ જાહેર રોડ ઉપર રખડતાં ઢોરોનો ત્રાસ ચાલુ વર્ષે પણ મોટા પ્રમાણમાં શરૂ થઈ ગયો છે. મ્યુનિ.ના ઢોર ત્રાસ નિયંત્રણ વિભાગની કામગીરી સામે સવાલો ઊભા થાય છે.

પોલીસ તંત્રના કર્મચારીઓ અને મ્યુનિ.ના કર્મચારીઓઓ આ અંગે સંયુક્ત રીતે કામગીરી કરતાં હોય છે, પણ હાલ કામગીરી નબળી થઈ ગઈ હોવાનું જણાય છે.  ઠેર ઠેર ટ્રાફિકને અડચણરૂપ ઢોરના ટોળાં રોડની વચ્ચોવચ બેસી ગયા હોય છે.

ઢોર નહીં પકડવાની કે પકડવાની બાબતે સાંઠગાંઠ અને હપ્તા પદ્ધતિ પણ કામ કરતી હોવાના આક્ષેપો અગાઉ થઈ ચૂક્યા છે. હાલ માનસી સર્કલથી પરિવાર સોસાયટી તરફ પ્રેમચંદનગરની પાછળનો રોડ, ગુલબાઈ ટેકરાંથી લો ગાર્ડન તરફનો રોડ, સેટેલાઈટ રોડ, મેમનગર, વસ્ત્રાલ વગેરે સ્થળોએ રખડતાં ઢોર જોવા મળે છે.

અગાઉના કમિશનરે રોજેરોજ પકડાતાં ઢોરની સંખ્યા પ્રેસનોટ દ્વારા જાહેર કરવાનો આદેશ સંબંધિત ખાતાને આપ્યો હતો. રખડતા ઢોરનો પ્રશ્ન કાયમી ધોરણે ઉકેલવાની ચર્ચા દર ચોમાસા દરમ્યાન થાય છે અને ચોમાસાની વિદાય સાથે ભૂલાય જાય છે. સરખેજથી આગળ મોટો  ઢોરવાડો બનાવવાની યોજના એક કરતાં વધુ વખત જાહેર થઈ ચૂકી છે.

(5:42 pm IST)