Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

વલસાડ જીલ્લામાં કેટલાક સમયથી ધર્માંતરણનો મુદ્દો ચર્ચાનું કેન્‍દ્ર બનતા દક્ષિણ ગુજરાત બારી બારીયા સમાજના આગેવાનો દ્વારા કલેકટરને આવેદન

ગેરકાયદે થતી પ્રવૃત્તિઓમાં જોડાયેલા ખ્રિસ્‍તી મિશનરીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા માંગ

વલસાડ: વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ધર્માંતરણનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે. આથી આજે દક્ષિણ ગુજરાત બારી બારીયા સમાજના આગેવાનોએ વલસાડ જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર આપ્યું હતું. જેમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા વલસાડ જિલ્લામાં થઈ રહેલી ધર્માંતરણની પ્રવૃત્તિને રોકવા માટે માંગ કરી હતી. લોકોને લોભ લાલચ આપી અને ગેરમાર્ગે દોરી ગેરકાયદેસર થતી આવી ધર્માંતરણની પ્રવૃત્તિમાં જોડાયેલા ખ્રિસ્તી મિશનરીઓને શોધી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

થોડા દિવસ અગાઉ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના મરોલી દાંડી ગામના બારી બારીયા સમાજના એક જ પરિવારના એક સાથે સાત સભ્યો હિંદુ ધર્મ છોડી ખ્રિસ્તી ધર્મ અપનાવી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. મરોલીના દાંડીના ચર્ચમાં થયેલી આ બારીયા સમાજના પરિવારની ધર્માંતરણની વિધિને લઇ મોટો વિવાદ થયો હતો. આથી પોલીસ તપાસ પણ શરૂ કરવામાં આવી હતી.

જોકે આ સિવાય પણ આ ગામના 40 થી વધુ બારી બારીયા સમાજના પરિવારોનું ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો સાથે આજે બારી બારીયા સમાજના આગેવાનો કલેકટરને મળ્યા હતા અને આવેદન પત્ર આપ્યું હતું. મુખ્યમંત્રીને સંબોધીને લખેલા આવેદનપત્રમાં જિલ્લામાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા થઈ રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવવાની માંગ કરી હતી.

મહત્વપૂર્ણ છે કે આ અગાઉ પણ વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકામાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા મોટા પાયે આદિવાસીઓનું ધર્માંતરણ કરવામાં આવ્યું હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે. આથી ભરાયેલા હિંદુ સંગઠનોએ અનેક વખત રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે સ્થાનિક તંત્રને પણ રજૂઆતો કરી અને આ પ્રવૃત્તિ અટકાવવા માંગ કરી છે. તેમ છતાં હજુ સુધી જિલ્લામાં ધર્માંતરણની પ્રવૃત્તિ અટકી નથી.

અત્યાર સુધી કપરાડા અને ધરમપુર તાલુકા જેવા અંતરિયાળ વિસ્તારોમાં થતી આ પ્રવૃત્તિ હવે જિલ્લાના દરિયાકિનારે આવેલા ઉંમરગામ તાલુકાના કાંઠા વિસ્તારમાં પણ પ્રસરી ચૂકી હોવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે મરોલી દાંડી ગામના બારી બારીયા સમાજના આખા  પરિવારનો ધર્માંતરણનો વીડિયો વાયરલ થયા બાદ ફરી એક વખત જિલ્લામાં આ  મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

(5:02 pm IST)