Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

આજે ધો.12 સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ

મંગળવારે ધોરણ-10ના રિપીટર વિદ્યાર્થીઓની દ્વીતીય ભાષાની પરીક્ષા સાથે તમામ પેપર પુર્ણ થશે

અમદાવાદ : હાઇકોર્ટના નિર્દેશ બાદ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 15 જુલાઈથી ધો.12 સાયન્સના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ કર્યો હતો. જો કે આજે સોમવારે પ્રથમ ભાષા અને કમ્પ્યુટરના પેપર સાથે ધોરણ-12 સાયન્સની તમામ પરીક્ષાઓ પુર્ણ થઈ છે. જ્યારે મંગળવારના રોજ ધોરણ-10ના રિપીટર વિદ્યાર્થીઓની દ્વીતીય ભાષાની પરીક્ષા સાથે તમામ પેપર પુર્ણ થશે. આજે ધોરણ-12 સાયન્સના તમામ પેપર પુર્ણ થતાં વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો છે. બીજી બાજુ બોર્ડ દ્વારા રિપીટર વિદ્યાર્થીઓની ઉત્તરવહી મુલ્યાંકનની કામગીરી શરૂ કરી દીધી હોવાની વિગતો સામે આવી છે.

 

રાજ્યમાં કોરોનાના કેસોના પગલે સરકાર દ્વારા નિયમિત વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી. જ્યારે રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે તેમ જણાવાયું હતું. જેના પગલે બોર્ડ દ્વારા રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાને લઈને કાર્યક્રમ જાહેર કર્યો હતો. જે મુજબ ધોરણ-10 અને 12ની પરીક્ષાઓ 15 જુલાઈના રોજ શરૂ થઇ ગઇ હતી. અને આવતીકાલે 27 જુલાઈના રોજ તમામ પરીક્ષાઓ પુર્ણ કરવામાં આવશે. અત્યાર સુધી બોર્ડની પરીક્ષાઓમાં મોટાભાગના પેપરો સરળ રહેતા વિદ્યાર્થીઓએ રાહત અનુભવી હતી.

દરમિયાન, સોમવારના રોજ ધોરણ-12 સાયન્સમાં પ્રથમ ભાષા અને કમ્પ્યુટરની પરીક્ષા લેવામાં આવી હતી. આ બંને પેપરો ખુબ જ સરળ રહેતા વિદ્યાર્થીઓએ રાહત અનુભવી હતી. આ પેપર સાથે ધોરણ-12 સાયન્સમાં તમામ પેપરો પુર્ણ થતાં સાયન્સની પરીક્ષા સત્તાવાર રીતે પુર્ણ થઈ હતી. હવે મંગળવારના રોજ ધોરણ-10માં દ્વીતીય ભાષાનું છેલ્લુ પેપર રહેશે. આ પેપર પુર્ણ થતાંની સાથે જ ધોરણ-10માં પણ તમામ પરીક્ષા પુર્ણ થશે. ધોરણ-12 સામન્ય પ્રવાહમાં હજુ પરીક્ષા બાકી છે અને 28 જુલાઈના રોજ અંતિમ પેપર લેવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.

 

ધોરણ-10માં સોમવારે સામાજિક વિજ્ઞાનની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 96185 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 83190 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. ધોરણ-10ની પરીક્ષામાં વડોદરા ખાતે એક કોપી કેસ નોંધાયો હતો. ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં પ્રથમ સેશનમાં સમાજશાસ્ત્ર વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 29693 વિદ્યાર્થીઓ પૈકી 24600 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે બીજા સેશનમાં વાણીજ્ય વ્યવસ્થાના પેપરમાં 25002 વિદ્યાર્થીઓ પૈકી 21354 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સામાન્ય પ્રવાહની પરીક્ષામાં પાટણ કેન્દ્ર ખાતે બે કોપી કેસ નોંધાયા હતા. જ્યારે ધોરણ-12 સાયન્સમાં 2770 વિદ્યાર્થીઓ પૈકી 2218 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

(11:50 pm IST)