Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

આપ, અસદુદ્દીન ઓવૈસી અને મમતા બેનર્જીની એન્ટ્રીથી રસાકસી જોવા મળશે

ગુજરાતમાં ૨૦૨૨ની ચૂંટણીઓ રસપ્રદ રહેશે : મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીએ પહેલીવાર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી લડવા માટેની જાહેરાત કરી છે

 

અમદાવાદ, તા.૨૬ : ગુજરાતમાં વર્ષ ૨૦૨૨માં એટલે કે આવતા વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણી અત્યંત રસપ્રદ હશે. અરવિંદ કેજરીવાલના નેતૃત્વ વાળી આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીના નેતૃત્વ વાળી ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમિન (એઆઈએમઆઈએમ) સિવાય હવે મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી પણ મેદાનમાં ઉતરવા તૈયાર છે. પાર્ટી તરફથી પહેલીવાર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં સ્ટેટ યુનિટની રચના પણ કરવામાં આવી છે. પાર્ટીના ગુજરાત એકમ માટે એક સંયોજકની નિમણુક કરવામાં આવી છે. પાર્ટીએ આગામી વિધાનસભામાં એકલા ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. ટીએમસી ગુજરાતના સંયોજક જિતેન્દ્ર ખદાયતાએ કહ્યું કે ટુંક સમયમાં રાજ્ય એકમની રચના કરવામાં આવશે.

નવા નિમાયેલા સંયોજક જિતેન્દ્ર ખદાયતાએ કહ્યું કે, તૃણમુલ કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાં ૨૦૨૧ની ચૂંટણી પૂરી તાકાત સાથે લડી. પાર્ટી હાઈ કમિશને નક્કી કર્યું છે કે ૨૦૨૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મહત્તમ સીટો પર લડશે. જો કે તેમણે સાથે સાથે ચોખવટ કરી છે કે તેમની પાર્ટીનું અન્ય કોઈ પણ પાર્ટી સાથે ગઠબંધન નહીં થાય.

મમતા બેનર્જીના ૨૧ જુલાઈના ભાષણને અમદાવાદના ઈસનપુર વિસ્તારના એક હોલમાં જોવામાં આવ્યું. તેમાં જીતેન્દ્ર અને ટીએમસીના અન્ય સભ્ય પણ હાજર રહ્યા હતા. પાર્ટી હાઈકમિશને મમતા બેનર્જીનું ભાષણ ગુજરાતમાં મહત્તમ સ્થાનો પર લાઈવ સંભળાવવામાં આવે તેવી વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો હતો. રેલી પહેલા ગીતા મંદિર બસ ટર્મિનસ જેવા વ્યસ્ત સ્થળો પર વર્ચ્યુઅલ જનસભાનો પ્રસાર કરનારા બેનર પણ લગાવવામાં આવ્યા હતા.

આમ આદમી પાર્ટી અને એઆઈએમઆઈએમ જેવી અન્ય પાર્ટીઓ જેમણે તાજેતરમાં જ ગુજરાતમાં ચૂંટણીમાં સફળતા પ્રાપ્ત કરી હતી તે આવતા વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજર વિરુદ્ધ લડવા તૈયારી કરી રહી છે. ભાજપના ગઢ કહેવાતા ગુજરાતમાં આ રાષ્ટ્રીય પાર્ટીઓ પણ ચૂંટણી લડશે તો ચૂંટણી ચોક્કસપણે રસપ્રદ બની જશે.

(8:54 pm IST)