Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

હાલ વડોદરા અને મુળ માણાવદરના એક તબીબ સાથે એક ટોળકીએ ત્રણ વર્ષ અગાઉ એમ.ડી. મેડીસીનમાં એડમિશન અપાવી દેવાની લાલચ આપી ૩ર લાખ ૭ જેટલા શખ્સોએ પડાવી લીધાના કેસમાં પોલીસ સુરતના દંપતીની ધરપકડ કરી

મૂળ માણાવદરના અને હાલ વડોદરામાં મેડીકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા એક તબીબ સાથે એક ટોળકીએ ત્રણ વર્ષ પહેલા એમ.ડી. મેડિસીનમાં એડમિશન અપાવી દેવાની લાલચ આપીને સાતેક જેટલા શખ્સોએ ફોન કરીને 32 લાખ રૂપિયા પડાવી લીધાના કેસમાં જૂનાગઢ રેંજ સાયબર સેલ પોલીસે સુરતના દંપતીની ધરપકડ કરી છે.

વડોદરાના ડૉ.રોહનકુમાર મણીલાલ લક્કડ ઉ.33 એ નીટની પીજી પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભર્યું હતું, જેમાંથી ફોર્મની વિગતો મેળવીને એક ટોળકીએ પર્સનલ ડીટેઇલના આધારે અલગ અલગ 10 જેટલા મોબાઈલમાંથી ફોન કરીને તેઓને એમ.ડી. મેડિસીનમાં એડમિશન અપાવી દેવાની લાલચ આપીને માર્ચ 2019 થી ફેબ્રુઆરી 2022 સુધીમાં અલગ અલગ સ્થળે બોલાવીને અલગ અલગ ચાર્જીસના નામે તેમજ એડવાન્સ રકમ ભરવાના નામે 32 લાખ રૂપિયા પડાવી લીધા હતા, જેમાં વિશાલસિંધ નામના વ્યક્તિ સહિતના સાતેક ઈસમોએ આ ડોક્ટર સાથે વાતચીત કરી હતી.

બાદમાં તેઓને એડમીશન ન મળતા 6 લાખ પરત કર્યા હતા, અને 26 લાખ ન આપીને છેતરપીંડી કરી હોવાની સાત ઈસમો સામે જૂનાગઢ સાયબર સેલમાં ફરિયાદ નોધાવી હતી, જે કેસમાં પીઆઈ કે.કે.ઝાલા, પીઈ આર.વી.વાજા સહિતના સ્ટાફે સુરતના મોટા વરાછામાં શિવનગર સોસાયટીમાં રહેતા સતીષ ભૂપત કાનાણી ઉ.30 અને સોનલ સતીષ કાનાણી ઉ..29 ને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે. આ ટોળકીએ 10 જેટલા મોબાઈલ નંબર અને બે એકાઉન્ટ નંબરનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે.

(10:52 pm IST)