Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

વિદ્યાર્થીઓ ઘરે બેઠા અભ્‍યાસ કરી શકે તે માટે બનાસકાંઠા જીલ્લાના પાલનપુરની શાળાના અંકિત ઠાકોરનું સંશોધનઃ 23 રાજ્‍યોના 5500થી વધુ શિક્ષકો સાથેની એપ્‍લીકેશન બનાવી

6 મહિનામાં જ એપ ઉપર 18 હજાર વીડિયો, 26000 ક્‍વિઝ, 2000 એકઝામ અને 4 હજાર મટીરીયલ અપલોડ થયા

બનાસકાંઠા: આપણાં દેશમાં 20 કરોડથી વધુ પ્રાદેશિક ભાષાઓમાં ભણતા બાળકો છે, જેમને ક્વોલિટી શિક્ષણ મળી જ નથી રહ્યું. તેની સામે 1 કરોડ શિક્ષકો છે જેમને કોઈ એવું પ્લેટફોર્મ નથી મળી રહ્યું. જે આ શિક્ષકોને ખુદના વર્ગના વિદ્યાર્થીઓથી આગળ વધીને હજારો બાળકોને ભણાવવા સશક્ત કરે. શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચેની આ ગેપની ભયંકર અસર કોરોના સમયે લોકડાઉન વખતે સમગ્ર શિક્ષણ જગતે અનુભવી. એ સમયે કોઈ ગામડાંનાં બાળકને જ્યારે ખુદના શિક્ષકો જ નહોતા પહોંચી શકતા ત્યારે એ બાળકો પાસે કોઇ પ્લેટફોર્મ જ ન હતું, જેના પર એ દરેક વિષયના સારામાં સારાં શિક્ષકો પાસેથી નિશુલ્ક ભણી શકે. ભારતના દરેક વિદ્યાર્થીઓ ઘરે બેઠા પોતાની ભાષામાં યોગ્ય શિક્ષક મેળવે સારું શિક્ષણ મેળવી શકે તે માટે પાલનપુરના એક યુવાને એડયૂટર એપ બનાવી છે. જેમાં હજારો શિક્ષકો સાથે લાખો વિદ્યાર્થીઓ જોડાઈને ઉત્તમ શિક્ષણ મેળવી રહ્યા છે.

છેલ્લા 25 વર્ષમાં સોશિયલ મીડિયા ક્ષેત્રે ફેસબુક, ઈ-કોમર્સમાં અમેઝોન, વીડિયો શેરીંગમાં યૂટ્યુબ જેવા વિવિધ ક્ષેત્રે વિવિધ ઓપન પ્લેટફોર્મ અસ્તિત્વમાં આવ્યા છે. જેમણે જે તે ક્ષેત્રમાં વિશ્વના દરેક વ્યક્તિને સશક્ત કર્યા છે. જેથી આજે ફેસબૂક દ્વારા કોઈ પણ વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે કનેક્ટ કરી ખુદના વિચાર પ્રગટ કરી શકે છે. એમેઝોન કે ફ્લિપકાર્ટ દ્વારા ગામનો કોઈ નાનો વેપારી પણ દુનિયાના કોઈ પણ વ્યક્તિને વસ્તુઓ વેચી અને ખરીદી શકે છે. યૂટ્યુબ દ્વારા કોઈ પણ વ્યક્તિ વીડિયો કન્ટેન્ટ જોઈ શકે છે અને ખુદ બનાવી અને લાખો લોકો સુધી પહોંચાડી શકે છે.

સૌથી પાયાની બાબત એ છે કે એક ઓપન પ્લેટફોર્મ હોવુ જોઈએ. જેને લઈને ચારેક વર્ષ પહેલાં બનાસકાંઠા જિલ્લાનાં પાલનપુર ખાતે આવેલ NIB સ્કૂલનાં યુવા અને ટેકનોસેવી સંચાલક અંકિત ઠાકોરે એન્જિનિયરીંગ કરવાની સાથે IIM-Ahmedabad ના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. એમણે 2017 થી શિક્ષણનું ઓપન પ્લેટફોર્મ કેવું હોવું જોઈએ એ વિચારને ડેવલપ કરવાનું શરૂ કર્યું હતું. માર્ચ, 2020 માં દેશભરમાં જ્યારે લોક્ડાઉન થતાં શિક્ષણ જગત અચાનક થંભી ગયું હતું, ત્યારે શિક્ષણ માટે ઓપન અને નિશુલ્ક પ્લેટફોર્મ ના હોવાની વિકરાળ અસર અનુભવવા માંડી. ત્યારે શિક્ષણના ઓપન અને નિશુલ્ક પ્લેટફોર્મ, એડ્યુટર એપના અમલ કરવાનું યુદ્ધ ધોરણે ચાલુ કર્યું.

એડ્યુટર એપને એના પોટેન્શિયલ સુધી લઈ જવા માટે અંકિત ઠાકોરની NIB સ્કૂલના જ ભૂતપૂર્વ 8 વિદ્યાર્થીઓ જોડાયા અને અન્ય લોકોની સાથે કુલ 12 લોકોની ટીમ હવે તો એડ્યુટર એપની કામગીરી શરૂ કરી અને આજે આ અભિયાન અંતર્ગત દેશના 23 રાજ્યોમાંથી 5500 થી વધુ શ્રેષ્ઠ શિક્ષકો એડ્યુટર એપનાં પરિવારમાં સામેલ છે. જેમાં 28 રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક અથવા ICT એવોર્ડ વિજેતા શિક્ષકોનો પણ સમાવેશ થાય છે. શિક્ષકોનાં સતત ફિડબેક અને સહયોગથી ડેવલપ કરેલ એડ્યુટર એપને જૂન, 2021માં પ્લે સ્ટોર પર લોન્ચ કરવામાં આવી. એડ્યુટર એપ શિક્ષણનું નિશુલ્ક અને ઓપન પ્લેટફોર્મ છે, જ્યાં કોઈ પણ ભાષા અને બોર્ડના શિક્ષક એમની સંપૂર્ણ ટીચિંગ સરળતાથી કરાવી શકે અને કોઈ પણ વિદ્યાર્થી એપ પરના કોઈ પણ શિક્ષકને માત્ર ફોલો કરીને એમનું કન્ટેન્ટ જોઈ શકે. શિક્ષક એડ્યુટર એપ પર વીડિયો, ક્વિઝ, એક્ઝામ, મટીરિયલ અને લાઇવ ક્લાસ સ્વરૂપે કન્ટેન્ટ અપલોડ કરી શકે છે.

અંકિત ઠાકોર કહે છે કે, પ્રાદેશિક ભાષામાં કોઈ શિક્ષણ માટેની એપ નહતી, જે અમે બનાવી છે. જેમાં હજારો શિક્ષકો જોડાયા અને લાખો વિધાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે. આ એપ બિલકુલ નિઃશુલ્ક છે, જેમાં કોઈપણ શિક્ષક અને વિદ્યાર્થીઓ જોડાઈ શકે છે અને શિક્ષકને ફોલો કરીને તેની પાસે શિક્ષણ મેળવી શકે છે.

આ એપ ઉપર દેશભરના શિક્ષકો નેચરલી પ્લેટફોર્મ પર આવવા અને ભણાવવા લાગ્યા હતા. આ પ્લેટફોર્મ પર 2 ઓક્ટોબરે ગાંધી જયંતી નિમિત્તે મહાત્મા ગાંધી ક્વિઝ અભિયાનનું આયોજન કરાયુ હતું. જેમાં માત્ર બે દિવસમાં શિક્ષકો દ્વારા એડ્યુટર એપ પર 400 થી વધુ ગાંધીજી પર ક્વિઝ બનાવી હતી. જેના બાદ 31 ઓકટોબર સરદાર પટેલ જન્મ જયંતિને ધ્યાનમાં રાખીને શિક્ષણ મંત્રાલયનાં સહયોગથી સરદાર પટેલ ક્વિઝ અભિયાનનું આયોજન કરાયુ હતું. આજે એડ્યુટર એપ પર 40,000 થી વધુ શિક્ષકો ભણાવી રહ્યા છે. માત્ર 6 મહિનામાં જ શિક્ષકો દ્વારા એડ્યુટર એપ પર 18,000+ વીડિયો, 26,000+ ક્વિઝ, 2,000+ એક્ઝામ અને 4,000+ મટીરિયલ અપલોડ કરી રહ્યા છે. જેને લઈને દેશભરના શિક્ષકો તેમજ વિધાર્થીઓ આ એપને સુલભ ગણાવીને તેનો લાભ લઇ રહ્યા છે.

એક શિક્ષક મનોજ ચોખાવાલા જણાવે છે કે, એડયૂટર એપ ખુબજ સરસ છે. મેં મારી અનેક કવીઝ તેમાં મૂકી છે. 6 હજાર વિધાર્થીઓ મને ફોલો કરી રહ્યા છે. તો વિદ્યાર્થીઓ કહે છે કે, આ એપ દ્વારા હું ખુબજ સરસ રીતે અભ્યાસ કરી શકું છું હું મારા મન ગમતા શિક્ષક સાથે અભ્યાસ કરી શકું છું.

(5:14 pm IST)