Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

અમદાવાદમાં ભગવાન જગન્‍નાથજીની રથયાત્રા પૂર્વે સુરક્ષાને લઇને પોલીસે પહેલી વાર હેલીકોપ્‍ટરથી રૂટ પર સર્વેલન્‍સ કર્યુઃ રથયાત્રામાં પણ હેલીકોપ્‍ટરની મદદથી નજર રખાશે

રથયાત્રા શાંતિપૂર્ણ સંપન્‍ન થાય એ માટે પોલીસ દ્વારા સુચારૂ અને લોખંડી બંદોબસ્‍ત ગોઠવાયો

અમદાવાદઃ અમદાવાદમાં ભગવાન જગન્‍નાથજીની રથયાત્રાને લઇ આતંકવાદી સંગઠન અલ-કાયદા બ્‍લાસ્‍ટની ધમકીને પગલે પોલીસે સુરક્ષાને લઇ હેલીકોપ્‍ટરથી હવાઇ નિરીક્ષણ કર્યુ હતુ. ઉપરાંત દિલ્‍હી સ્‍થિત તમામ આઇ.બી. પણ એલર્ટ થયુ છે. ભૂતકાળમાં અનેક દુર્ઘટના બની હોવાના પગલે સુરક્ષા સઘન બનાવાઇ છે.

145 જગન્નાથજીની રથયાત્રાને શાંતિપૂર્ણ રીતે અમદાવાદમાંથી પસાર કરવા પોલીસનો સુચારૂં અને લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવશે. બીજી બાજુ રથયાત્રા પહેલા પોલીસે રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરતી હોય છે. પરંતુ પહેલી વખત રથયાત્રા પહેલા આજે પોલીસે હેલિકોપ્ટરથી રથયાત્રાના રૂટ પર સર્વેલન્સ કર્યું હતું. આજ સુધી પુરી જેવી રથયાત્રામાં પણ હેલિકોપ્ટરથી રૂટ ઓબ્ઝર્વેશન કરવામાં આવતું નથી, પરંતુ પ્રથમ વખત રથયાત્રાનું એરિયલ ઓબ્ઝર્વેશન 5 પોલીસ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરાયું હતું. જેમાં પોલીસ કમિશ્નર , ક્રાઇમ JCP, ટ્રાફિક JCP, અને સેક્ટર 1-2 ના અધિકારીઓ હેલિકોપ્ટરથી રૂટ ઓબ્ઝર્વેશન કરશે. રથયાત્રાના દિવસે રૂટ સહિત કાલુપુર રેલવે સ્ટેશન અને સંવેદનશીલ શીલ વિસ્તારમાં હેલિકોપ્ટરથી નિરીક્ષણ કરશે.

અમદાવાદમાં રથયાત્રાને લઈને આતંકવાદી સંગઠન અલ-કાયદાએ ગુજરાતમાં બ્લાસ્ટની ધમકી આપી છે. જોકે, રથયાત્રામાં બ્લાસ્ટની ધમકીને ધ્યાને લઈ તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ છે. આ ઉપરાંત દિલ્હી સ્થિત તમામ IB પણ એલર્ટ થયું ગયું છે. રથની સુરક્ષાની વાત કરવામાં આવે તો ભૂતકાળમાં રથ પર અનેક એવી દુર્ઘટનાઓ બની છે.

સુરક્ષાના ભાગરૂપે અમદાવાદ પોલીસ દ્વારા આ વખતે ત્રણેય રથ પર એક ખાસ CCTV કેમેરા પર રાખવામાં આવશે જે 360 degree ફરી શકે તેવા હશે. જેથી જો કોઈ પણ વ્યક્તિ રથ ઉપર કંઈપણ કરવાની તૈયારી કરે અથવા તો કોશિશ કરે તે પહેલા જ તેને ઝડપી પાડવામાં આવશે. ત્રણેય રથને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કોર્ડન કરીને રથયાત્રા આગળ વધારવામાં આવશે. આ વર્ષે રથયાત્રામાં સુરક્ષાના કારણોસર અખાડા, ટ્રક અને ત્રણેય રથો પર જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ લગાવવામાં આવશે. એટલું જ નહીં આકાશી ડ્રોનની પણ મદદ લેવામાં આવશે.

તમને જણાવી દઈએ કે ગુજરાતના સૌથી મોટા રથયાત્રાના સુરક્ષા બંદોબસ્તને આખરી ઓપ આપી દેવાયો છે. ત્રણ સ્તરીય ગોઠવવામાં આવેલા બંદોબસ્ત દરમિયાન કોઇ પણ અનિચ્છનિય ઘટનાને પહોંચી વળવા માટે પણ પોલીસ સજ્જ બની છે. સ્થાનિક પોલીસથી માંડીને સેન્ટ્રલ સિક્યુરીટી ફોર્સે અત્યારથી જ શહેરના સંવેદનશીલ વિસ્તારનો મોરચો સંભાળી લીધો છે. પરતું આ વર્ષે હાઈટેક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પોલીસનો લોખંડી સુરક્ષા બંદોબસ્ત કેવો હશે? રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટેની તમામ વ્યવસ્થા ગોઠવાઇ ગઇ છે. આ વર્ષે સૌથી વધુ ટેકનોલોજીના ઉપયોગ કરવામાં આવ્યો છે. ખાસ હવાઈ સર્વેલન્સ એટલે કે ડ્રોન થી બાજ નજર રખાશે. બીજી તરફ બોડી વોર્ન કેમેરાથી સર્વેલન્સની સાથે જ સ્પેશિયલ ટીઝર ગનનો ઉપયોગ કરવામાં આવશે.

(5:11 pm IST)