Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

રાજ્‍યના 138 તાલુકામાં વાવણી લાયક વરસાદઃ સૌથી વધુ વલસાડના ધરમપુરમાં 3 ઇંચ ખાબક્‍યો

ગુજરાત રાજ્‍યના 18 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ પડયો

અમદાવાદઃ રાજ્‍યમાં 138 તાલુકાઓમાં વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્‍યાપી ગઇ છે. સૌથી વધુ વરસાદ વલસાડ જીલ્લાના ધરમપુરમાં 3 ઇંચ પડયો હતો.

કાગડોળે રાહ જોવડાવ્યા બાદ આખરે ગુજરાતમાં રવિવારે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. છેલ્લા 24 કલાકના આંકડા પર નજર કરીએ તો, 24 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. રાજયના 138 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના ધરમપુરમાં 3 ઈંચ નોંધાયો છે. તો ઉમરપાડામાં 2.5 ઈંચ અને જાંબુઘોડામાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. 18 તાલુકાઓમાં 1 ઈંચ થી વધુ વરસાદ પડ્યો છે.

રવિવારે સાંજે વરસાદે અમદાવાદમાં તોફાની બેટિંગ કરી હતી, ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડેલા વરસાદે ભારે તબાહી મચાવી હતી. આખા અમદાવાદનુ ધોવાણ થયુ હોય તેવા દ્રશ્યો ઠેરઠેર જોવા મળ્યા છે. ગત સાંજે વાવાઝોડા પડેલા વરસાદ દરમ્યાન અમદાવાદમાં નાના મોટા મળીને કુલ 103 વૃક્ષો ધરાશાયી થયા છે. જોકે, હજી આંકડો વધી શકે તેવુ કોર્પોરેશનનુ કહેવુ છે. તો સાથે જ અનેક વાહનોને પણ નુકસાની થઈ છે.

પ્રથમ વરસાદે અમદાવાદ તંત્રની ખોલી પોલ ખોલી હતી. ભારે પવનના કારણે શહેરમાં 100થી વધુ વૃક્ષો ધરાશાયી થયા. તો અનેક જગ્યાએ પાણી ભરાયાની સમસ્યા સર્જાઈ હતી. એક જ વરસાદ બાદ શહેરની તસવીરો બદલાઈ ગઈ હતી. ઝાડ પડવાના સિલસિલા બાદ હવે રોડ બેસી જવાની ઘટનાઓ પણ સામે આવી છે. શ્યામલ વિભાગ-3 માં રસ્તો બેસી ગયો હતો. જેથી રાહદારીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા. રોડ બેસી જતા AMC ની બેદરકારી સામે આવી છે.

(5:11 pm IST)