Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

વિરમગામ પાસે ૩૦ લાખનો દારૂ ઝડપાયો

ભાવડા ગામની સીમમાં સરકારી ખરાબામાં માલ ઉતારાતો'તોને પોલીસ ત્રાટકી : ૧ ટ્રક અને ૧૦ ફોર વ્‍હીલ કબ્‍જે : ડ્રાઇવરો - મજૂરો દારૂ ભરવા આવનારા ૧૫ ઇસમો નાસી છૂટયા : ત્રણ શખ્‍સોની ધરપકડ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૨૭ : હરિયાણાથી દારૂનો જંગી જથ્‍થો ભરીને નિકળેલુ કન્‍ટેનર તમામ ચેકપોસ્‍ટ વટાવીને છે ક ગુજરાતના વિરમગામ સુધી પહોંચી ગયું હતું. વિરમગામ ગ્રામ્‍ય પોલીસે ૬૪૮ પેટીમાં ભરેલી ૧૪,૮૧૨ દારૂની બોટલનો જથ્‍થો ઝડપી પાડયો હતો. તેની કિંમત ૩૦.૨૨ લાખ થાય છે. આ સાથે પોલીસે એક ટ્રક અને દસ ફોર વ્‍હીલર સહિત રૂ. ૬૭.૪૫ લાખનો મુદ્દામાલ સાથે ત્રણ શખ્‍સોને ઝડપી પાડયા હતા.

મળેલી ખાનગી બાતમીના આધારે ભાવડા ગામની સીમ ખાતે સરકારી ખરાબામાં રાત્રીના સમયે પરપ્રાન્‍તીય વિદેશી દારૂનું કંટીગ વખતે દરોડો પાડયો હતો. ત્‍યારે વિવિધ દારૂની બોટલ નંગ ૧૪૮૧૨ કુલ પેટી ૬૪૮ જેની કિંમત રૂા. ૩૦,૨૨,૨૨૫નો જથ્‍થો મળી આવ્‍યો હતો. તેની સાથે કુલ ૧૧ વાહનો તેમાં ૧ ટ્રક, ૧૦ ફોર વ્‍હીલર સાથે રૂા. ૬૭,૪૫,૨૫૫નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્‍યો હતો. આ રેઈડમાં ફક્‍ત ત્રણ આરોપી પકડાયા છે. બાકીના આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

પકડાયેલા આરોપીમાં મોસીન ઈલીયાસ ગોસી (રહે. ઉત્તરપ્રદેશ), ધવલ ઉર્ફે જીગર સુરેશભાઈ ચૌહાણ (રહે. બાવળા પોલીસ સ્‍ટેશન પાછળ) અને મુકેશભાઈ કેશાજી પ્રહેલાદજી માળી (રહે. શક્‍તિ એપાર્ટમેન્‍ટ, વટવા, અમદાવાદ)નો સમાવેશ થાય છે. ત્‍યારે દારૂનો જથ્‍થો મોકલનાર વીકી (રહે. રોહતક હરિયાણા), ગોપાલસિંહ સોલંકી, મુનીમ નરેશ ગોસ્‍વામી (રહે. દિયોદર), દશરથ ઉર્ફે ડીકે (રહે. દાંતીવાડ) તથા વિદેશી દારૂનો જથ્‍થો ભરવા આવનાર ફોર વ્‍હીલરના ડ્રાયવરો તથા મજુર નાસી ગયા હતા. પોલીસે આશરે ૧૫ ઈસમો વિરૂધ્‍ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાં ફક્‍ત કહેવાતી દારૂબંધી હોય તેવુ લાગી રહ્યું છે.

ફરાર કેદી ઝડપાયો

જોરાવરનગર પોલીસ મથકે નોધાયેલા ખુનના ગુનાનો આરોપી યાકુબખાન ઉર્ફે યાકુડો કાળુખાન પઠાણ ખુનના ગુનામાં સુરતની લાજપોર જેલમાં સજા ભોગવતો હતો. તે તા.૧/૫/૨૨થી ૧૨/૫/૨૨ સુધી વચગાળાના જામીન ઉપર છુટયો હતો. ત્‍યાર બાદ જેલમાં હાજર થવાને બદલે નાસતો ફરતો હતો. આ કેદી રતનપર ઢાળથી ટાવર તરફ જતા પુલના નીચે નદી કાઠે હોવાની બાતમી મળતા પોલીસે તેને ઝડપી લઈ લાજપોર જેલ સુરતને સોંપવાની કાર્યવાહી હાથ ધરેલ છે.

(11:28 am IST)